મુંબઈ : અમેરિકા ખાતે ભારતની માલસામાનની નિકાસમાં ૫.૭૬ અબજ ડોલર જેટલો ઘટાડો થવાની શકયતા છે. અમેરિકા ખાતે ભારતની નિકાસમાં મુખ્યત્વે સોના, વીજ તથા ઈલેકટ્રોનિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક પ્રોડકટસમાં ભારતની સ્પર્ધાત્મકતાને કારણે કેટલીક ખોટને ભરપાઈ કરી શકાશે એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (જીટીઆરઆઈ)ના એક રિપોર્ટમાં જણાવાયું છે.
ભારતના કેટલાક પ્રોડકટસ જેમ કે રેડીમેડ ગારમેન્ટસ, ફાર્માસ્યૂટિકલ્સ, સેરામિક પ્રોડકટસ, રસાયણને સાધારણ લાભ થવાની શકયતા છે.ભારત ખાતેથી આયાત થતાં માલસામાન પર ૯મી એપ્રિલથી ટ્રમ્પે ૨૬ ટકા વધારાની ડયૂટી લાગુ કરી છે. જો કે ફાર્મા, ઊર્જા, સેમીકન્ડકટર્સ જેવા કેટલાક માલસામાનને હાલમાં બાકાત રખાયા છે.
પ્રાપ્ત વેપાર ડેટા અને ટેરિફના દરને ધ્યાનમાં રાખી કરાયેલી એનાલિસિસને આધારે કહી શકાય એમ છે કે ૨૦૨૫માં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં ૬.૪૦ ટકા અથવા ૫.૭૬ ડોલરનો ફટકો પડી શકે છે, એમ જીટીઆરઆઈના નિવેદનમાં વધુમાં જણાવાયું છે. ૨૦૨૪માં અમેરિકા ખાતે ભારતની નિકાસનો આંક ૮૯.૮૧ અબજ ડોલર રહ્યો હતો. આયર્ન તથા સ્ટીલની નિકાસમાં ૧૮ ટકા, ડાયમન્ડસ, ગોલ્ડ પ્રોડકટસની નિકાસમાં ૧૫.૩૦ ટકા, વાહનો તથા પાર્ટસની નિકાસમાં ૧૨.૧૦ જેટલો ઘટાડો થવાનો જીટીઆરઆઈ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.
૨૦૨૪માં ગોલ્ડ જ્વેલરી, કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની અમેરિકા ખાતે ભારતે ૧૧.૯૦ અબજ ડોલરની નિકાસ કરી હતી. આ પ્રોડકટસની ભારતની એકંદર નિકાસમાં ૪૦ ટકા અમેરિકા ખાતે થઈ હોવાનું પણ જણાવાયું હતું. હાલમાં આ પ્રોડકટસ પર ૨.૧૦ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે.
આ ઉપરાંત કેમિકલ્સ, મસીનરી, પ્લાસ્ટિક સહિતના કેટલાક પ્રોડકટસની નિકાસમાં પણ ઘટાડો જોવા મળશે. આ એનાલિસિસ કરતી વેળા ભારતના હરિફ દેશો પર લાગુ કરાયેલા ટેરિફના દરને ધ્યાનમાં લેવાયા છે.