Surat : ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાતનું સુત્ર આપવામાં આવ્યું છે પરંતુ સુરત પાલિકા સંચાલિત સરથાણા રીડીંગ રૂમમાં ખુરશીઓ તુટેલી હાલતમાં છે. દોઢ વર્ષથી ખુરશીઓ તુટેલી છે અને નવી મુકવા માટે માંગણી થઈ રહી છે પરંતુ પાલિકા તંત્ર ખુરશી આપતી ન હોવાથી રીડીંગ રૂમમાં આવતા વિદ્યાર્થીઓએ જમીન પર બેસીને વાંચવાની ફરજ પડી રહી છે.
પાલિકાના સરથાણા ઝોનમાં ટી.પી.21, ફા.પ્લોટ નં.114માં પાલિકાનો રીડીંગ રૂમ આવ્યો છે. આ રીડીંગ રૂમ ખુરશીઓની ઘટ બાબત અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની લાંબા સમયથી ફરિયાદ હતી. જેથી પાલિકાના સેન્ટ્રલ સ્ટોરને 1000 જેટલી ખુરશીઓ ખરીદવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ આજદિન સુધી એક પણ ખુરશી અહીં રીડીંગ રૂમમાં આવી નથી. દોઢેક વર્ષ પહેલા વિપક્ષે ફરિયાદ કરી હતી ત્યારે 25 ખુરશીઓ આવી હતી, પરંતુ તે હલકી ગુણવત્તાની હોવાથી તૂટી ગઈ છે. આવી હાલતમાં રીડીંગ રૂમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અને વડીલો વાંચન માટે અહીં આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ બેસે કે વડીલો બેસે તે સમસ્યા થઈ રહી છે. આ સ્થિતિમાં રીડીંગ રૂમમાં આવતા વિદ્યાર્થીઓએ જમીન પર બેસીને વાંચવાની ફરજ પડી રહી છે. તેથી વિપક્ષે તાત્કાલિક ખુરશી મુકાવે તેવી માંગણી કરી છે.