Vadodara Murder Case : વડોદરાના તાંદલજા વિસ્તારમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. પતિ અને તેના પરિવારજનોએ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ મૃતકના ભાઈને શંકા જતા તેની તપાસ કરાવાતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો.
ગળાના ભાગે નિશાન જોઈ શંકા થઈ
તાંદલજાના એકતાનગર ખાતે રહેતી તસ્લીમાબાનું છ એપ્રિલની રાત્રે મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના ભાઈ મોસીન શેખને તેની બહેનના ગળાના ભાગે નિશાન જોઈ શંકા થઈ હતી. જેથી તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. સાસરિયાંઓ હાર્ટ એટેકથી મોતની હોવાનું કહેતા હતા પરંતુ મરનાર મહિલાના પરિવારજનોએ અત્યાચારની આશંકા વ્યક્ત કરતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. રિપોર્ટમાં મૃતક મહિલાના ગળાના ભાગે ફાંસો આપવાથી મોત નીપજ્યું હોવાનું જણાઈ આવતાં જે.પી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
પતિએ કરી હત્યાની કબુલાત
પોલીસે મહિલાના પતિ જાવેદ વાહીદભાઈ મન્સૂરીની આકરી પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને પત્નીના ચારિત્ર ઉપર આક્ષેપ કરી બપોરના સમયે દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કર્યાની કબુલાત કરી હતી. પતિએ પત્નીના દુપટ્ટાને ગળે વીંટ્યા બાદ બીજા હાથથી મોઢે ઓશીકું દબાવ્યું હતું અને દસ મિનિટ સુધી દુપટ્ટો ખેંચી રાખ્યો હતો. જેથી પત્નીનું મોત નીપજયું હતું.