Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે (8 એપ્રિલ) ભાજપ અને સંઘ પર પ્રહાર કર્યા હતા. ખડગેએ આરોપ લગાવ્યો કે, છેલ્લાં અનેક વર્ષોથી રાષ્ટ્રીય નાયકો વિરુદ્ધ સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેમણે અમદાવાદમાં પાર્ટીની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં કહ્યું કે, સરદાર પટેલ આરએસસની વિરાધારાની વિરુદ્ધ હતા અને આ હાસ્યાસ્પદ છે કે, આજ તેમના સંગઠનના લોકો સરદાર પટેલની વિરાસત પર દાવો કરે છે. આ સાથે જ ખડગેએ ગાંધી અને સરદારની ભૂમિ પરથી પ્રેરણા લેવાની પણ વાત કહી હતી.
ખડગેએ એવો પણ દાવો કર્યો કે, આજે સાંપ્રદાયિક વિભાજન દ્વારા દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે અને સામંતશાહી એકાધિકાર સંસાધનો કબજે કરીને શાસનને નિયંત્રિત કરવાના માર્ગે છે.
આ પણ વાંચોઃ 2027માં ગુજરાતમાં સરકાર બનાવવાનો કોંગ્રેસનો દાવો, ભાજપે કહ્યું- ’64 વર્ષે ગુજરાત યાદ આવ્યું…’
ગાંધીજીએ અન્યાય સામે સત્ય અને અહિંસાનું હથિયાર આપ્યું
કાર્યકારી સમિતિની બેઠકનું આયોજન ‘સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક’ પર કરવામાં આવ્યું છે. પાર્ટીના અધિવેશનના એક દિવસ પહેલાં તેમણે કહ્યું કે, આ વર્ષે મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924માં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી મારા ગૃહ રાજ્ય કર્ણાટકના બેલંગાવ કોંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ બન્યા હતા. આ શતાબ્દી સમારોહ અમે 26 ડિસેમ્બરે કર્ણાટકમાં ઉજવ્યો હતો. સંગઠનની મજબૂતી પર ભાર આપતાં ખડગેએ કહ્યું કે, આપણે વિચારધારાને આગળ વધારવાની જરૂર છે. ગુજરાતની ધરતી પર જન્મેલી ત્રણ મહાન હસ્તી દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા. ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને અહિંસાનું હથિયાર આપ્યું. આ એટલું મજબૂત હથિયાર છે કે, તેની સામે કોઈ તાકાત ટકી નથી શકતી. સરદાર પટેલને યાદ કરતાં ખડગેએ કહ્યું કે, ‘આ વર્ષે 31 ઑક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મ જ્યંતી છે. જવાહરલાલ નહેરુ તેમને ભારતની એકતાના સંસ્થાપક કહેતા હતા. તેમની 150મી જન્મ જ્યંતિ પર આપણે દેશભરમાં ઉજવણી કરીશું.
બંધારણ બન્યું ત્યારે સંઘે આંબેડકરની ટીકા કરી હતી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણ સભાના સભ્ય બનાવવામાં ગાંધીજી અને સરદાર પટેલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બાબા સાહેબે પોતે 25 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં પોતાના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે, કોંગ્રેસના સહયોગ વિના બંધારણ બની શક્યું ન હોત. જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે સંઘે ગાંધીજી, પંડિત નહેરુ, ડૉ. આંબેડકર અને કોંગ્રેસની ખૂબ ટીકા કરી હતી. રામલીલા મેદાનમાં બંધારણ અને આ નેતાઓના પૂતળા બાળવામાં આવ્યા. બંધારણમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે મનુવાદી આદર્શોમાંથી પ્રેરણા ન લો. ગૃહમંત્રીએ રાજ્યસભામાં બાબા સાહેબની મજાક ઉડાવી કે લોકો આંબેડકર, આંબેડકર, આંબેડકર કરે છે, જો તેમણે ભગવાનનું નામ આટલું બધું લીધું હોત તો તેમને સાત જન્મ સુધી સ્વર્ગ મળ્યું હોત. કોંગ્રેસ પાર્ટી બંધારણ અને તેના નિર્માતાઓ બંનેનું સન્માન કરે છે અને તેનું રક્ષણ કેવી રીતે કરવું તે જાણે છે.’
આ પણ વાંચોઃ ઉનાળાનું વેકેશન શરૂ પૂર્વે સુરત પાલિકાની તૈયારીઓ, બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન
ગાંધીના ચશ્માં અને લાકડી તો ચોરી શકશો, પણ તેમના આદર્શો પર ચાલી નહીં શકો
ખડગેએ RSS અને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘છેલ્લાં અનેક વર્ષોથી અનેક રાષ્ટ્રીય નાયકોને લઈને એક ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. 140 વર્ષથી દેશમાં સેવા અને સંઘર્ષના ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી કોંગ્રેસ પાર્ટી સામે વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. આ કામ એવા લોકો કરી રહ્યા છે જેની પાસે ઉપલબ્ધિ બતાવવા માટે કંઈ નથી. આઝાદીની લડતમાં પોતાનું યોગદાન બતાવવા માટે કંઈ નથી. તેઓ સરદાર પટેલ અને પંડિત નહેરુના સંબંધોને લઈને એવું બતાવવાનું ષડયંત્ર કરે છે, જાણે બંને એકબીજાની વિરોધમાં હોય. જોકે, હકીકત એવી છે કે, તે સિક્કાની બે બાજુ હતી. તમામ ઘટના અને દસ્તાવેજ તેમના મધુર સંબંધોની ગવાહી આપે છે. નહેરુજીને સરદાર કેટલો સ્નેહ કરતા હતા, તેને તમે સમજી શકો છો. 14 ઑક્ટોબર, 1949ના દિવસે સરદાર પટેલે કહ્યું હતું કે, છેલ્લા બે કઠિન વર્ષોમાં નહેરુજીએ દેશ માટે જે પરિશ્રમ કર્યો છે, તે મારાથી વિશેષ કોઈ નથી જાણતું. અમે આ દરમિયાન તેમને ભારે ભરખમ જવાબદારીના કારણે ખૂબ ઝડપથી વૃદ્ધ થતા જોયા છે. સરદાર પટેલની વિચારધારા આરએસએસના વિચારોની વિપરિત હતી. તેમણે આરએસએસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ, હસવું ત્યારે આવે જ્યારે એ સંગઠનના લોકો સરદાર પટેલની વિરાસત પર દાવો કરે છે. સરદાર પટેલ આપણાં હૃદય અને વિચારોમાં વસે છે. આપણે તેમની વિરાસતને આગળ વધારી રહ્યા છીએ. આજે ભાજપ અને સંઘના લોકો ગાંધીજી સાથે જોડાયેલી સંસ્થા પર કબ્જો કરી તેમના વિરોધીઓને સોંપી રહ્યા છે. સર્વ સેવા સંઘ અને ગુજરાત વિદ્યાપીઠ તેનું ઉદાહરણ છે. ગાંધીવાદી લોકો અને સહકારિતા આંદોલનના લોકોને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે. આવા વિચારવાળા લોકો ગાંધીના ચશ્માં અને લાકડી તો ચોરી શકે પરંતુ, તેમના આદર્શો પર ચાલી ન શકે. ગાંધીજીની વૈચારિક વિરાસત કોંગ્રેસ પાસે છે.’
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ‘કોંગ્રેસને 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રદેશમાંથી સૌથી વધારે શક્તિ મળી તેમાં ગુજરાત પહેલાં નંબરે છે. આજે અમે ફરી અહીં પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલ શક્તિ અમારા દેશની એકતા અને અખંડિતતા તેમજ સામાજિક ન્યાયની વિચારધારા છે. પરંતુ, આજે આ વિચારધારાને આગળ વધારવા માટે જરૂરી છે કે, આપણે સૌથી પહેલાં ખુદને મજબૂત કરીએ અને પોતાના સંગઠનને મજબૂત કરીએ. કાલે કોંગ્રેસ અધિવેશનમાં આપણને અનેક વાતો કહેવા અને સાંભળવાની તક મળશે.’