ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
ઘાયલ મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ શરૃ કરી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે એસટી ડેપો પાસે મોપેડ ઉપર પસાર થઈ રહેલી મહિલાને ફંગોળીને અજાણ્યો કાર ચાલક
કરાર થઈ ગયો હતો. જે ઘટના બાદ ઘાયલ મહિલાને સારવાર માટે ગાંધીનગર સિવિલથી ખાનગી
હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જે સંદર્ભે હાલ પોલીસે ફરાર વાહન ચાલકને પકડવા
માટે દોડધામ શરૃ કરી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર
અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે હવે હિટ એન્ડ રનના બનાવો પણ ચિંતાજનક રીતે
વધી રહ્યા છે. આ સ્થિતિમાં શહેરના રોડ નંબર ત્રણ ઉપર મોપેડ ઉપર જઈ રહેલી મહિલા
સાથે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે શહેરના
કુડાસણ પાસે આસ્થા સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા
મનદીપા સુપ્રિતમ સહા ગઈકાલે તેમના પતિને હોસ્પિટલ લઈ જવાના હોવાથી ઓફિસમાંથી મોપેડ
લઈને ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ રોડ નંબર ત્રણ ઉપરથી પસાર થઈ રહ્યા
હતા તે દરમિયાન પાછળથી આવી રહેલી એક કારે તેમને અડફેટે લીધા હતા અને તેના કારણે
તેઓ નીચે પટકાયા હતા. આ અકસ્માત સર્જીને કારનો ચાલક ત્યાંથી નાસી છૂટયો હતો તો
આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર
માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે
તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ અકસ્માતની આ ઘટના
અંગે તેમની ફરિયાદના આધારે પોલીસે ફરાર થઈ ગયેલા કારચાલકને શોધવા માટે દોડધામ શરૃ
કરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.