મુંબઈ : અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વ વેપાર યુદ્ધ છેડયું હોઈ હવે ચાઈના સહિતના કેટલાક દેશો સામે પડીને વળતા ટેરિફ લાદતા હવે આ યુદ્વ તીવ્ર બનતાં વૈશ્વિક મંદીના સર્જાયેલા જોખમે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં પણ તાજેતરના દિવસોમાં કડાકો બોલાયો છે.
આ ધબડકાની સાથે એક તરફ માંગની મંદીની શકયતા અને ઓપેક દ્વારા સાઉદી અરેબિયાની આગેવાનીમાં ક્રુડના ઉત્પાદનમાં વધારો કરવાના આપેલા સંકેત વચ્ચે હવે ક્રુડ ઓઈલના ભાવ ૪૦ ડોલર પ્રતિ બેરલ સુધી ગબડી જવાની આગાહી થવા લાગી છે.
વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ ગોલ્ડમેન સેશે એક અઠવાડિયામાં બીજી વખત ક્રુડ ઓઈલના ભાવના અંદાજ ઘટાડયા બાદ હવે આજે મંગળવારે પણ વર્લ્ડ ટ્રેડ વોર વધુ આક્રમક બનતા અને વૈશ્વિક ક્રુડનો પુરવઠો વધવાને કારણે બ્રેન્ટ ક્રુડના ભાવ પ્રતિ બેરલ ૪૦ ડોલરનું લેવલ પણ ગુમાવી શકે છે એવી આગાહી કરી છે. ગોલ્ડમેન સેશનું કહેવું છે કે આ એક્સ્ટ્રીમ એટલે કે આત્યંતિક સંજોગોમાં આ પરિસ્થિતિ જોવાઈ શકે છે.
ગોલ્ડમેનના વિશ્લેષકોએ ઓઈલના ભાવ કેટલા નીચા જઈ શકે છે ? એ શીર્ષકવાળી નોંધમાં જણાવ્યું છે કે, સામાન્ય યુ.એસ. મંદી અને પુરવઠા માટેની બેઝલાઈન અપેક્ષાઓ ધારીને, આ ડિસેમ્બરમાં બ્રેન્ટ પ્રતિ બેરલ ૫૮ ડોલર અને આગામી વર્ષે તે જ મહિનામાં ૫૦ ડોલર જોવા મળી શકે છે.
વૈશ્વિક જીડીપી મંદી અને ઓપેક સહિતના દેશો દ્વારા ઉત્પાદન કાપ સંપૂર્ણ પાછો ખેંચવાની સ્થિતિમાં વધુ આત્યંતિક અને ઓછી સંભાવનાવાળી પરિસ્થિતિમાં, જે બિન ઓપેક પુરવઠાને શિસ્તબદ્વ કરવાની સ્થિતિમાં ગોલ્ડમેનનો અંદાજ બ્રેન્ટ વર્ષ ૨૦૨૬ના અંતમાં ૪૦ ડોલર પ્રતિ બેરલથી નીચે આવી જશે, એવું યુલિયા ગ્રિગ્સબી સહિતના વિશ્લેષકોએ ૭, એપ્રિલના મૂકેલી નોંધમાં જણાવ્યું હતું.
વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે, જે ગત અઠવાડિયે ૭૫ ડોલરની નજીક હતો, જે હવે ૬૦ ડોલર પ્રતિ બેરલની સપાટીએ આવી ગયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વર્લ્ડ ટ્રેડ વોરનું દબાણ, અમેરિકામાં મંદીની વધતી જતી આશંકા, વૈશ્વિક માંગનો અભાવ સહિતના પરિબળોએ તાજેતરના દિવસોમાં ઓઈલ માટે અવરોધરૂપ ભૂમિકા ભજવી છે.
આટલું પૂરતું નહોતું ત્યાં જ લાંબા સમયગાળા સુધી પુરવઠા પર નિયંત્રણ પછી ઓપેક પ્લસ દેશોએ બજારમાં અપેક્ષા કરતાં વધુ બેરલ ઉત્પાદન-સપ્લાય કરવાના આપેલા સંકેતે તૂટતાં ભાવોને ઢાળ આપ્યો છે. પરિણામે, ગોલ્ડમેન સેશ, મોર્ગન સ્ટેનલી જેવા બ્રોકિંગ હાઉસોએ તેમના બેઝ કેસમાં ઓઈલ ભાવ માટેના અંદાજોમાં ઘટાડો કર્યો છે. ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ અત્યારે ૬૫ ડોલર પ્રતિ બેરલની ચાર વર્ષની નીચી સપાટીએ રહ્યા છે.