Deputy Mamlatdars Transfers : સમગ્ર રાજ્યમાં નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે તે તમામ હુકમો રદ કરવા સહિતની અન્ય માંગણીઓ સાથે રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
મહેસૂલી કર્મચારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો અને ત્યારબાદ જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમનો ઉપયોગ કરી કલેક્ટરનું એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો તે જ વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવી જોઈએ.
આ ઉપરાંત વર્ષ-2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઈએ તેમજ વર્ષ-2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટિ | યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિધ્ધ કરી | મામલતદારના પ્રમોશન આપવા જોઈએ. આ માંગણીઓ માટે આજે તમામ જિલ્લામાં કલેક્ટરોને મહેસૂલી કર્મચારીઓ આવેદન આપ્યું હતું તે અંતર્ગત વડોદરામાં પણ મહેસૂલી કર્મચારીઓએ સવારે આવેદન આપી પોતાની રજૂઆતો કરી હતી. 10 દિવસમાં માંગણીઓને હકારાત્મક નિકાલ નહી આવે તો કાળી પટ્ટી ધારણ કરવી, માસ સીએલ અને હડતાળ જેવા કાર્યક્રમોનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.