Gujarat CR Patil: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નળ સે જળ યોજનાનું 100 ટકા અમલીકરણના દાવા ખોટા હોવાની માહિતી લોકસભામાં આપવામાં આવી છે. દાદરા નગર હવેલીના ભાજપના જ મહિલા સાંસદે જ જળશક્તિ મંત્રાલયના દાવાઓને ખોટા ગણાવી હજુ પણ ગ્રામ્ય વિસ્તારોના 60 ટકા ઘરોને પાણી નહીં મળતું હોવાનો આક્ષેપ કર્યો છે.
કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ‘હર ઘર નલ સે જલ’ યોજનાનું 100 ટકા અમલીકરણ કરવામાં આવ્યું હોવાની લોકસભામાં માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે દીવ-દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન સંદર્ભે જવાબ આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસન દ્વારા કેન્દ્ર સરકારની કોઈ પણ જાતની મદદ વગર સ્વભંડોળથી આ યોજનાનું 100 ટકા અમલીકરણ કરવામાં આવ્યું છે અને અમલીકરણ અંગે પ્રદેશના તમામ સરપંચો દ્વારા લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ ઉપલબ્ધિ માટે પ્રશાસનની પીઠ પણ થપથપાવી હતી. પરંતુ દીવા તળે અંધારું જેવો ઘાટ હોવા અંગેની જે-તે સમયે અપક્ષ સાંસદ ઉમેશ પટેલે રજૂઆત કરી આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત, 3 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત
ઘરના ભેદીએ જ લંકાને હચમચાવી
ભાજપના પોકળ દાવાઓની પોલ ઘરના જ ભેદીએ ખુલ્લી પાડી છે. લોકસભામાં નલ સે જલ યોજના અંગે દાદરા નગર હવેલીના ભાજપના જ મહિલા સાંસદ કલાબેન ડેલકરે પ્રશાસન અને જળશક્તિ મંત્રાલયના 100 ટકા અમલીકરણના દાવાઓનો ફુગ્ગો ફોડતાં જણાવ્યું હતું કે, આજે પણ ગ્રામ્યના 60 ટકા વિસ્તાર સુધી આ યોજના પહોંચી નથી. પ્રદેશમાં પાણી અને રસ્તાની સમસ્યા લોકોનો માથાનો દુઃખાવો બની ગયો છે. વિકાસ પાછળ રૂ. 12 હજાર કરોડનો ખર્ચ કર્યા બાદ પણ લોકોની મૂળભૂત સમસ્યાઓ હજુ પણ ઠેરની ઠેર છે. અને આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં મહિલાઓને દૂર-દૂર સુધી પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે. જેથી નલ સે જલ યોજનાનો લાભ ના મળે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી પાણી પૂરું પાડવા માંગ કરી હતી.