Jamnagar Crime: જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ નજીક બાઈકચાલક યુવાનને જીપચાલકે જાણીજોઈને કચડી નાખતા ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે આરોપી જીપચાલક તેમજ મૃતકની પ્રેમમાં અંધ બનેલી પત્ની બંનેની પોલીસ ધરપકડ કરી હતી. આ ઉપરાંત હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી જીપ તેમજ બંને આરોપીઓના કુલ 3 મોબાઇલ ફોન કબજે કરી લેવાયા છે. જ્યારે આ મુખ્ય આરોપીને બનાવનાર સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. હવે આ સમગ્ર પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, મૂળ કાલાવડ તાલુકાના પીઠડિયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા 30 વર્ષિય રવિ મારકણા રામનવમીના દિવસે (છઠ્ઠી એપ્રિલ) બુલેટ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન જીપચાલકે તેને જાણીજોઈને ટક્કર મારી કચડી નાખતા હત્યા કરી નાખી હતી. જે હત્યા પ્રકરણમાં પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસના અંતે મૃતક રવિ મારકણાની પત્ની રીંકલ તેમજ જીપચાલક અક્ષય ડાંગરિયા બંનેને ધરપકડ કરી હતી. પત્નીએ પોતાના પતિ સાથે છૂટાછેડા થઈ જાય તે માટેના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ પતિએ છૂટાછેડા આપવાની સાફ ના પાડી હતી. જેથી આ હત્યા કરી નાખવાનો પ્લાન કર્યો હતો.
આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, જેમાં બંને આરોપી વચ્ચે બે વર્ષના પ્રેમ સંબંધમાં અનેક વખત એકબીજા સાથે અનૈતિક સંબંધો બંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે પ્રેમિકા દ્વારા પતિનો કાંટો કાઢી નાખવા માટે સાત મહિનાથી ષડયંત્ર કરાતું હતું. જેમાં રામનવમીનો દિવસ નક્કી થયો હતો અને પ્રેમી યુવાને પોતાની પ્રેમિકાને અલગથી વાત કરવા માટેનો જુદો મોબાઈલ ફોન આપેલો હતો, જે પ્રેમિકા સંતાડીને લોકરમાં રાખતી હતી. પુત્ર સ્કૂલે જાય તે દરમિયાન પ્રેમીને મળતી હતી.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં બે ગુજરાતીઓ બાખડ્યાઃ નવસારીના યુવકની ચાકુ મારીને હત્યા, પોલીસે કરી ધરપકડ
આરોપી પ્રેમી યુવાને પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા, ત્યારબાદ બંને એક થવા માટેના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં આડખીલી રૂપ પ્રેમીકા રિંકલનો પતિ કે જેની હત્યા કરવા માટેનું સાતેક મહિના પહેલા ષડયંત્ર રચાયું હતું. અનેકવાર પ્રયત્ન કર્યા હતા. પરંતુ કોઈ મોકો મળતો ન હતો. આખરે રામનવમીનો દિવસ પસંદ કરાયો હતો અને તે દિવસે સવારે 10 વાગ્યાથી લઈને સાંજ સુધી આખો ઘટના ક્રમ બન્યો હતો.
પ્રેમિકાએ પોતે જ જાણ કરી હતી કે પોતાનો પતિ બુલેટ મોટરસાયકલ નવું લીધું હતું, જે પોતાના કાલાવડમાં રહેતા માતા-પિતાને બતાવવા માટે ગયો, ત્યાંથી સાંજે જામનગર આવવા માટે પરત ફર્યો ત્યારે આ હત્યા કરવા માટેનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આરોપીએ અક્ષય ડાંગરિયા ફુલ સ્પીડમાં બુલેટની પાછળ ટક્કર મારતાં મૃતક યુવાન અથડાઈને જમીન પર પડ્યો હતો. તેનું માથું જમીનમાં ભટકાતાં હેમરેજ થઈ જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું, આ બનાવ હત્યામાં પલટાયો હતો.