વડોદરાઃ એપ્રિલ મહિનાના પ્રારંભથી જ આકરી ગરમી પડી રહી છે.ત્રણ દિવસથી ચાલી રહેલા હીટવેવ વચ્ચે વડોદરા શહેરમાં આજે ગરમીનો પારો ૪૩ ડિગ્રી પર પહોંચ્યો હતો.ગરમીના કારણે સૌથી વધારે જોખમ સ્કૂલે જતા બાળકોને છે અને તેના કારણે જ હવે ડીઈઓ કચેરીએ શહેરની શાળાઓને સ્કૂલના સમયમાં ફેરફાર કરવા માટે સત્તા આપી છે.
વડોદરામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સ્કૂલોમાં શિક્ષણ કાર્ય અને ગુજરાત બોર્ડની સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે.બીજી તરફ બપોરે ૧૧ વાગ્યાથી જ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અનુભવ થવા માંડે છે.આ સંજોગોમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.
ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, અમે સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોના આચાર્યોને તેમને જે રીતે યોગ્ય લાગે તે રીતે સમયમાં ફેરફાર કરવા માટે સત્તા આપી છે.આ માટેની સૂચના તમામ સ્કૂલોને વોટસએપ ગુ્રપમાં આપી દેવામાં આવી છે.બાળકોની તબિયત અમારી પ્રાથમિકતા છે.સ્કૂલની સાથે સાથે વાલીઓને પણ પાણીની બોટલ સાથે અને શક્ય હોય તો લીંબુ પાણી કે પાણીમાં ઓઆરએસ આપીને બાળકોને સ્કૂલે મોકલે.સાથે સાથે સ્કૂલોએ પણ બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.તેમણે કહ્યું હતું કે, ગુજરાત બોર્ડની સ્કૂલોમાં હાલમાં પરીક્ષા ચાલી રહી છે અને આ સ્કૂલોને પણ અમે આ જ પ્રકારની સત્તા આપી છે.