વડોદરા, તા.9 વડોદરામાં આજે ઉનાળાની ઋતુનો હોટેસ્ટ ડે નોંધાયો હતો. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ ગરમીનો પારો વધીને ૪૩ ડિગ્રી થતા શહેરીજનો આકરી ગરમીમાં તોબા પોકારી ગયા હતાં.
વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી લૂ લાગે તેવી સખત ગરમીનો પારો લોકો અનુભવી રહ્યા છે. આ સપ્તાહના પ્રારંભમાં ૪૦ ડિગ્રીથી પણ વધુ તાપમાન નોધાયું હતું. આજે ચાલુ સિઝનનું રેકોર્ડબ્રેક તાપમાન ૦.૮ ડિગ્રી જેટલું વધીને હવામાન વિભાગમાં ૪૩ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે વડોદરામાં મહત્તમ તાપમાન ૪૩ તેમજ ન્યૂનત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી વધીને ૨૪.૨ ડિગ્રી નોધાયું હતું. ઉત્તર-પશ્ચિમના ૭ કિ.મી.ની ગતિના ગરમ પવનો રહેતા કામ વગર લોકો બહાર નીકળવાનું ટાળતા હતાં.