ઘેરબેઠા કમાણી કરવાના નામે પ્રોડક્ટના રિવ્યૂ અને લાઇક જેવા ટાસ્ક આપી ઠગાઇ કરવાના કિસ્સામાં વધુ એક બનાવ ઉમેરાયો છે.જેમાં વડોદરાના પોલીસ કર્મીએ રૃ.૨૧.૯૦ ગૂમાવતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
પ્રતાપ નગર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા સંદીપભાઈ વાળાએ કહ્યું છે કે, ગઈ તા.૧લી ફેબુ્રઆરીએ મને શીફેરો કંપનીના એજન્ટના નામે મેસેજ આવ્યો હતો.જેમાં કંપની ઇલેક્ટ્રોનિક્સ ચીજો અને ગારમેન્ટ્સનું ઓનલાઇન સેલિંગ કરતી હોવાથી ટાસ્ક માટે ઓફર કરી હતી.આ માટે એક લિન્ક મોકલતાં મેં રજિસ્ટ્રેશન કર્યું હતું.
સંદીપભાઈએ કહ્યું છે કે,કંપનીના નામે વાત કરતા એજન્ટે મને બીજા ગુ્રપમાં જોઇન કરી રૃપિયા જમા કરાવવા માટે મારા બેન્ક એકાઉન્ટની માહિતી લીધી હતી.મારા ખાતામાં બે થી ત્રણ વાર રૃપિયા જમા થતાં મને વિશ્વાસ બેઠો હતો.મેં કુલ રૃ.૨૨.૪૧ લાખ ભર્યા હતા.
મેં રૃ.૫૧ હજાર જેટલી રકમ ઉપાડી હતી.જેથી મારા ખાતામાં બાકી રૃ.૨૧.૯૦ લાખ રહ્યા હતા અને તેની સામે રૃ.૨૮.૫૩ લાખનું બેલેન્સ દેખાતું હતું.આ રકમ ઉપાડવા માટે મારી પાસે રૃ.૮ લાખની માંગણી કરવામાં આવતી હતી,અને ૮ લાખ ભરવાથી ૩૬ લાખ મળશે તેમ કહેવાયું હતું.જેથી મને શંકા થતાં સાયબર સેલને જાણ કરી હતી.
બે ટાસ્કના 900 મળ્યા,બીજા દિવસે 10હજાર ભરાવી 15300 આપ્યા
પોલીસ કર્મીને વિશ્વાસમાં લેવા ઠગોએ પહેલા દિવસે બે ટાસ્ક કરાવી રૃ.૯૦૦ ચૂકવ્યા હતા.ત્યારબાદ બીજા દિવસે રૃ.૧૦ હજાર ડિપોઝિટ ભરાવી ૧૫૩૦૦ ટ્રાન્સફર કર્યા હતા અને ત્રીજા દિવસે રૃ.૩૦ હજાર ભરાવી રૃ.૩૫ હજાર ચૂકવ્યા હતા.જેથી તેમને વિશ્વાસ બેઠો હતો.