વડોદરાઃ આ વર્ષે એપ્રિલ મહિનાની શરુઆતથી જ ગરમી લોકોને દઝાડી રહી છે. જેના કારણે વીજ માગમાં પણ ઉછાળો આવ્યો છે.આગામી બે થી ત્રણ મહિના હજી પણ લોકો માટે આકરા રહેવાના છે ત્યારે આગામી દિવસોમાં વીજ પુરવઠો ના ખોરવાય તે માટે વીજ કંપની દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધારાના ૧૦૦૦ જેટલા ટ્રાન્સફોર્મરો લગાવવામાં આવ્યા છે.ઉપરાંત ૧૫૦ જેટલા ટ્રાન્સફોર્મરોની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઉનાળામાં વીજ માગમાં વધારો થવાના કારણે અને ખાસ કરીને રાત્રીના સમયે માગ વધવાના કારણે પાવર કટની બૂમો પડી હતી.પશ્ચિમ વિસ્તારમાં તો લોકોના મોરચા મધ્ય ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝનો પર પહોંચ્યા હતા.
જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે નવા ટ્રાન્સફોર્મરો લગાવવાની સાથે જે ટ્રાન્સફોર્મરો પર વધારે લોડ હતો તેની ક્ષમતા વધારવાની કામગીરી કરવામાં આવી છે.વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, શહેરમાં ૧૦૦૦૦ જેટલા ટ્રાન્સફોર્મરો છે અને તેમાં ૧૦૦૦ નવા ટ્રાન્સફોર્મરોનો ઉમેરો કરાયો છે.સાથે સાથે જર્જરિત વીજ લાઈનો, થાંભલા બદલવામાં આવ્યા છે.વર્તમાન ટ્રાન્સફોર્મરોની ક્ષમતા વધારીને ૨૦૦ કેવી થી ૫૦૦ કેવી સુધીની કરવામાં આવી છે.
સૂત્રોનું કહેવું છે કે, નવા ટ્રાન્સફોર્મરો લગાવવામાં સૌથી મોટી સમસ્યા જગ્યાની નડી રહી છે.ઘણી જગ્યાએ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં ટ્રાન્સફોર્મર લગાવવા માટે લોકો તૈયારી બતાવતા નથી.