વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનું ૨૦૨૫-૨૬ના વર્ષનું ૪૮૦ કરોડ રુપિયાનું બજેટ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂર કરવામાં આવ્યું છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીના બજેટમાં ૯૦ ટકા જેટલી રકમ તો અધ્યાપકો, કર્મચારીઓના પગાર પાછળ ખર્ચાશે.બાકીની રકમમાંથી યુનિવર્સિટીના રોજ બરોજના સંચાલન, યુનિવર્સિટીના વિવિધ બિલ્ડિંગો તથા હોસ્ટેલના સમારકામ, લાઈટ બિલ વગેરે ખર્ચાઓ પૂરા કરવામાં આવશે.યુનિવર્સિટીને સરકાર તરફથી ૪૭૨ કરોડ રુપિયાની ગ્રાંટ મળશે તેવો અંદાજ છે.જ્યારે વિદ્યાર્થીઓની ફી, હોસ્ટેલ ફી, લાઈબ્રેરી તથા બીજી સુવિધાઓની ફીમાંથી લગભગ ૮ કરોડ રુપિયાની આવક થશે.
યુનિવર્સિટીનું ૨૦૨૪-૨૫નું બજેટ ૪૦૨ કરોડ રુપિયાનું હતું અને તેમાં ૨.૮૦ કરોડની ખાધનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.જોકે નાણાકીય વર્ષના અંતે ખાધ માત્ર ૫૬ લાખ રુપિયા રહી છે.જ્યારે ૨૦૨૫-૨૬ના વર્ષમાં ૧.૪૧ કરોડ રુપિયાની નાણાકીય ખાધનો અંદાજ મૂકાયો છે.
યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ દરમિયાન યુનિવર્સિટીને પગાર પેટે લગભગ ૨૩૦ કરોડ રુપિયા જ ચૂકવવાના થશે.કારણકે યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ૫૦ ટકા કરતા વધારે જગ્યાઓ અને કાયમી કર્મચારીઓની પણ ૭૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.આમ સરકાર દ્વારા યુનિવર્સિટીને અપાતી પગાર ગ્રાંટમાં ઘણો ઘટાડો થશે.