દાહોદ તા.૯ રાજસ્થાનના બાસવાડામાં નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ ગુજરાત ઉપરાંત તેલંગાણામાં પણ ફેલાયું હોવાનું બહાર આવ્યું છે. ઝાલોદના શખ્સે બનાવટી નોટ છાપવાની ટ્રેનિંગ લીધા બાદ તેના મિત્રની મદદથી દાહોદના ભાડાના મકાનમાં બનાવટી નોટ પ્રિન્ટ કરી હતી. નકલી નોટો છાપવાના કૌભાંડમાં ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ થયો છે. તેલંગાણામાં નકલી નોટો છાપીને દેશને આથક નુકસાન પહોંચાડનાર આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે.
પોલીસે જણાવ્યું હતું કે તેલંગાણાની ગેંગે મોટા નફાની લાલચ આપીને બાંસવાડાના આદિવાસીઓને પોતાની સાથે જોડી તેમને નોટો છાપવાની તાલીમ આપી હતી. ત્યારબાદ તેમના દ્વારા જ આ નોટોને બજાર સુધી પહોંચાડવા માટે આખી સિન્ડિકેટ ઊભી કરી હતી. તેલંગાણામાં જ ૭૫ લાખ, દાહોદમાં ૪ લાખ અને બાંસવાડામાં ૩.૬૧ લાખની નકલી નોટો છાપીને પોતાના સાથીઓની મદદથી બજારમાં ફરતી કરવામાં આવી હોવાનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે.
લેપટોપ અને પ્રિન્ટરની મદદથી ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ની અસલ જેવી દેખાતી નોટો છાપી રહ્યા હતા. આખા સિન્ડિકેટનો માસ્ટરમાઇન્ડ મૂળ કર્ણાટકના રાયપુર, મુકરમગંજનો હુસૈન પીરા ઓસમાન સાબ નામની વ્યક્તિનું નામ બહાર આવ્યું છે. તેલંગાણામાં તેના જ ફ્લેટમાં બાંસવાડાના બે વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી. પોલીસ તેની શોધ કરી રહી છે. સિન્ડિકેટના અત્યાર સુધી ૧૧ શખ્સોની ધરપકડ થઈ છે. તેમની પાસેથી એક લેપટોપ, ૩ પ્રિન્ટર અને ૩.૬૧ લાખની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણામાં નકલી નોટો છાપવાનું ખુલ્યું છે. નકલી નોટો છાપવાનું કૌભાંડ છેલ્લા અઢી ત્રણ વર્ષથી કાર્યરત હોવાનું જણાયું છે. વિદેશી એજન્સીની ભૂમિકાની પણ સંભાવના હોવાથી આ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.