– મહિલાને રૂ. 45,000નું પ્રોત્સાહન અપાયું હતું
– પ્રાથમિક તપાસ બાદ દલાલો મહિલાઓના નામે ખોટા ખાતા ખોલાવીને ખેલ કરતા હોવાનું સામે આવ્યું છે
લખનઉ : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પાંચ વખત નસબંધી કરાવી હોવા છતાં તે દોઢ વર્ષમાં ૨૫ વાર મા બની છે. મહિલાને પ્રોત્સાહન આપવા માટે રકમ પણ ચૂકવવામાં આવી હતી.
આગ્રામાં જનની સુરક્ષા યોજના અને મહિલા નસબંધી પ્રોત્સાહન યોજનાની ઓડિટ કરવામાં આવી ત્યારે અનેક ખુલાસા થયા હતા.
૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ની ઓડિટ બાદ સામે આવ્યું કે, એક મહિલા ૨૫ વખત માતા બની હતી અને તેની પાંચ વખત નસબંધી કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાને રૂ. ૪૫,૦૦૦નું પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. મામલાની તપાસ બાદ સામે આવ્યું કે એક દલાલે કૌભાંડ કર્યું હતું.
દલાલો મહિલાના નામે ખાતું ખોલાવે છે. આ ખાતામાં તમામ ડોક્યુમેન્ટ્સ મહિલાના હોય છે પરંતુ, મોબાઈલ નંબર દલાલનો રાખવામાં આવે છે. જેવા ખાતામાં પૈસા જમા થાય છે કે તરત જ તેના ફોનમાં મેસેજ આવી જાય છે અને ત્યારબાદ તે પૂરા પૈસા ઉપાડી લે છે. આ કેસમાં દલાલ દ્વારા જે મહિલાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું નામ કૃષ્ણા કુમારી હતું.
કૃષ્ણા કુમારીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેણે કોઈ બેન્ક એકાઉન્ટ નથી ખોલાવ્યું.
એક વ્યક્તિએ તેના નામે ખાતું ખોલાવ્યું છે જે તેમને ક્યારેક ક્યારેક તેલ અને અનાજ આપી જતો હતો. સરકાર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે.