મુંબઇ,
તા. ૯
હાલમાં ચાલી રહેલી વૈશ્વિક ટેરિફ વોર વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ
ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)એ સતત બીજી વખત રેપો રેટમાં ૦.૨૫
ટકાનો ઘટાડો કર્યો છે અને દેશના અર્થતંત્રને ટેકો આપવા નજીકના ભવિષ્યમાં વ્યાજ
દરમાં વધુ કપાત માટેનો માર્ગ પણ ખુલ્લો રાખ્યો છે. ત્રણ દિવસની બેઠકના અંતે
એમપીસીએ રેપો રેટમાં ઘટાડો કરવા ઉપરાંત આર્થિક વિકાસ દર (જીડીપી) તથા ફુગાવાના
અંદાજમાં પણ ઘટાડો કર્યો છે.
એમપીસી દ્વારા રેપો રેટમાં ૦.૨૫ ટકાના વધુ ઘટાડા સાથે મુખ્ય
વ્યાજ દર હવે છ ટકા આવી ગયો છે. રેપો રેટમાં ઘટાડાને પરિણામે લોન પરના વ્યાજ દરમાં
તથા લોનધારકોના ઈએમઆઈમાં પણ ઘટાડો જોવા મળશે. આ અગાઉ ફેબુ્રઆરીની બેઠકમાં પણ રેપો
રેટમાં૦.૨૫ ટકા ઘટાડો કરાયો હતો. આજના
ઘટાડા સાથે વ્યાજ દર ૨૦૨૨ના નવેમ્બર બાદની નીચી સપાટીએ આવી ગયો છે. ફુગાવામાં
ઘટાડા તથા ક્રુડ તેલના નીચા ભાવને ધ્યાનમાં રાખી
છ સભ્યો સાથેની એમપીસી દ્વારા રેપો રેટ ઘટાડવા સર્વાનુમતે નિર્ણય લેવાયો
હતો એમ આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા એમપીસીની બેઠક બાદ એક નિવેદનમાં
જણાવાયું હતું.
આજની બેઠકમાં એમપીસીએ પોલિસી સ્ટાન્સ ન્યુટ્રલમાંથી બદલાવી
એકોમોડેટિવ કરીને નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવાના સંકેત આપ્યા હતા.
ભારત ખાતેથી અમેરિકા જતા માલસામાન પર ૨૬ ટકા રેસિપ્રોકલ
ટેરિફ આજથી લાગુ થઈ છે. આ ટેરિફને કારણે વિશ્વ વેપારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે તેને
ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૭૦ ટકા પરથી
ઘટાડી ૬.૫૦ ટકા કરાયો છે. ફુગાવાની ધારણાં પણ ૪.૨૦ ટકા પરથી ઘટાડી ૪ ટકા કરાઈ છે.
ટેરિફ સંબંધિત પગલાંઓને કારણે આર્થિક મોરચે અનિશ્ચિતતા ઊભી
થઈ છે અને વૈશ્વિક વિકાસ સામે પડકારો ઊભા થયા છે. ટ્રેડ વોરને પરિણામે અમેરિકન
ડોલરના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો છે,
બોન્ડ પરની ઉપજ ઘટી ગઈ છે,
વૈશ્વિક ઈક્વિટી બજારોમાં કરેકશન આવ્યા છે અને ક્રુડ ઓઈલ હાલમાં ત્રણ વર્ષની
નીચી સપાટીએ બોલાઈ રહ્યું છે. આવા સંજોગોમાં રિઝર્વ બેન્ક સાવચેતીપૂર્ણ આગળ વધી
રહી છે, એમ
ગવર્નરે જણાવ્યું હતું.
ગત નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં નબળો રહ્યા બાદ દેશના
જીડીપીમાં સુધારો થયો છે,
પરંતુ અપેક્ષા કરતા નીચો છે. ખાધ્ય પદાર્થોના ભાવમાં અપેક્ષા કરતા વધુ ઘટાડાને કારણે ફુગાવા
મોરચે સ્થિતિ સાનુકૂળ બની હોવાનું પણ
ગવર્નરે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું. આમ છતાં હાલમાં ઊભી થયેલી વૈશ્વિક
અનિશ્ચિતતા તથા હવામાનને લગતી ખલેલને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક ફુગાવા મોરચે
સાવચેતી ધરાવે છે.
સ્ટાન્સમાં ફેરબદલનો અર્થ રિઝર્વ બેન્ક રેપો રેટ જાળવી રાખવા
માગે છે અથવા તો તેમાં ઘટાડો કરશે,
એમ તેમણે સ્પષ્ટતા કરી હતી.
રેપો રેટમાં ઘટાડાને કારણે હોમ સહિત વિવિધ પ્રકારના
લોનધારકોના ઈએમઆઈમાં ઘટાડો થશે એટલું જ નહી ંલોન પેટેના વ્યાજ દરમાં ઘટાડો જોવા
મળશે. રેપો રેટમાં ઘટાડા સાથે રિઝર્વ બેન્કે સ્ટેન્ડિંંગ ડિપોઝિટ ફેસિલિટી દર ૬
ટકા પરથી ઘટાડી ૫.૭૫ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી દર ૬.૫૦ ટકાથી ઘટાડી
૬.૨૫ ટકા કર્યો છે.