– નિફટી 112 પોઈન્ટ ઉછળીને 22509 : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે વેચવાલી
મુંબઈ : નાણા વર્ષ ૨૦૨૪-૨૫ પૂરું થવા આડે હવે ૧૨ દિવસ બચ્યા હોઈ ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ માર્ચ એન્ડિંગ પૂર્વેની શેરોમાં નીચા ભાવે ખરીદીની તક ઝડપવા માંડતાં આજે શેરોમાં પ્રત્યાઘાતી ઉછાળો જોવાયો હતો. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે યુરોપ, એશીયાના દેશો ટેરિફ મામલે વળતા પ્રહારો કરતાં ટ્રમ્પની આક્રમકતા ઓછી થતાં અને બીજી તરફ હુથી પર અમેરિકી સેનાના હુમલાને લઈ આગામી દિવસોમાં વૈશ્વિક વેપાર યુદ્વ શાંત થવાની અપેક્ષાએ ફંડોએ તેજી કરતાં નિફટીએ ફરી ૨૨૫૦૦ની સપાટી અને સેન્સેક્સે ૭૪૦૦૦ની સપાટી કુદાવી હતી. સેન્સેક્સ ઉપરમાં ૭૪૩૭૬.૩૫ સુધી જઈ અંતે ૩૪૧.૦૪ પોઈન્ટ વધીને ૭૪૧૬૯.૯૫ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ ઉપરમાં ૨૨૫૭૭ સુધી જઈ અંતે ૧૧૧.૫૫ પોઈન્ટ વધીને ૨૨૫૦૮.૭૫ બંધ રહ્યો હતો. અલબત ઘણા સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે વેચવાલી નીકળી હતી.
હેલ્થકેર શેરોમાં વિજ્યા ડાયગ્નોસ્ટિક, બ્લુજેટ, આરતી ફાર્મા, હેસ્ટરબાયો, કિમ્સ, ડો.રેડ્ડીઝમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ ફરી મોટી ખરીદી શરૂ કરી હતી. ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૪૧.૮૫ વધીને રૂ.૧૧૪૯.૭૦, ગ્રેન્યુઅલ્સ રૂ.૧૭.૨૦ વધીને રૂ.૪૮૮.૪૦, થાયરોકેર રૂ.૨૩.૯૫ વધીને રૂ.૭૨૩.૮૦, બાયોકોન રૂ.૧૦.૧૫ વધીને રૂ.૩૩૩.૦૫, એફડીસી રૂ.૧૦ વધીને રૂ.૪૦૦.૧૫, આરપીજી લાઈફ રૂ.૫૦.૪૦ વધીને રૂ.૨૧૦૯.૭૦, એલકેમ રૂ.૧૧૨.૩૫ વધીને રૂ.૪૮૧૬.૪૫ રહ્યા હતા.
બજાજ ફિનસર્વ, બજાજ ફાઈ., હુડકોમાં તેજી
ફાઈનાન્શિયલ સર્વિસિઝ, બેંકિંગ શેરોમાં ફંડોએ આજે નવેસરથી મોટી ખરીદી શરૂ કરી હતી. હુડકો રૂ.૭.૪૫ વધીને રૂ.૧૮૮.૧૫, મુથુટ ફાઈનાન્સ રૂ.૮૯.૯૦ વધીને રૂ.૨૨૮૭.૧૫, એસબીઆઈ લાઈફ રૂ.૫૨.૭૫ વધીને રૂ.૧૪૩૯, કેનફિન હોમ રૂ.૨૨.૫૫ વધીને રૂ.૬૨૪.૫૦, બજાજ ફિનસર્વ રૂ.૬૪.૯૦ વધીને રૂ.૧૮૭૧.૮૫, બજાજ ફાઈનાન્સ રૂ.૧૬૦.૭૫ વધીને રૂ.૮૫૮૦, પુનાવાલા ફિન રૂ.૮.૪૫ વધીને રૂ.૨૮૯.૬૦, એમસીએક્સ રૂ.૧૬૦.૧૦ વધીને રૂ.૪૯૬૯, સિટી યુનિયન બેંક રૂ.૪.૧૫ વધીને રૂ.૧૫૩.૨૫ રહ્યા હતા. આ સાથે એક્સિસ બેંક રૂ.૨૩.૮૦ વધીને રૂ.૧૦૩૩.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૮.૧૦ વધીને રૂ.૧૨૬૮.૩૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪.૮૫ વધીને રૂ.૬૭૬.૯૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં વેલ્યુબાઈંગ
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ આજે ફરી વેલ્યુબાઈંગ શરૂ કર્યું હતું. ભારત ફોર્જ રૂ.૩૯.૫૦ વધીને રૂ.૧૦૭૯, ઉનો મિન્ડા રૂ.૨૬.૨૦ વ ધીને રૂ.૯૩૧, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૩.૬૦ વધીને રૂ.૨૭૦૭, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૧ વધીને રૂ.૨૫૩૮.૬૦, અશોક લેલેન્ડ રૂ.૨ વધીને રૂ.૧૯૮.૫૦, આઈશર મોટર્સ રૂ.૪૩.૯૫ વધીને રૂ.૫૦૫૬.૨૦, ટાટા મોટર્સ રૂ.૫.૫૦ વધીને રૂ.૬૬૦.૯૦, એમઆરએફ રૂ.૭૯૬.૯૦ વધીને રૂ.૧,૦૫,૧૨૯.૭૫, ટીવીએસ મોટર રૂ.૧૧.૮૫ વધીને રૂ.૨૨૬૧ રહ્યા હતા.
મેટલ શેરોમાં વધતું આકર્ષણ
ચાઈનાના સ્ટીમ્યુલસ અને ઘર આંગણે સ્ટીલ સહિતની આયાત પર ઉદ્યોગોને રક્ષણ માટે ડયુટી વધવાની ધારણાએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ વધ્યું હતું. એપીએલ અપોલો રૂ.૩૪.૫૫ વધીને રૂ.૧૪૦૭.૫૦, કોલ ઈન્ડિયા રૂ.૭.૫૦ વધીને રૂ.૩૮૫.૮૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૧.૯૦ વધીને રૂ.૬૪૧.૭૦, એનએમડીસી રૂ.૧.૧૩ વધીને રૂ.૬૪.૯૬, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૪૫ વધીને રૂ.૪૩૫.૩૦, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૪૫ વધીને રૂ.૮૯૮.૯૫, વેદાન્તા રૂ.૩.૮૦ વધીને રૂ.૪૪૬.૭૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં સિલેક્ટિવ તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. એક્સિસકેડ્સ રૂ.૪૧.૨૦ ઉછળી રૂ.૮૬૫.૮૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૪૩.૨૫ વધીને રૂ.૧૨૫૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૯.૫૫ વધીને રૂ.૬૯૮.૪૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૬૩ વધીને રૂ.૭૪૮૯, મેપમાય ઈન્ડિયા રૂ.૧૯.૧૫ વધીને રૂ.૧૬૦૩.૮૦, કોફોર્જ રૂ.૬૪.૭૫ વધીને રૂ.૭૩૫૯.૧૦, ઈન્ફોસીસ રૂ.૧૧.૩૦ વધીને રૂ.૧૫૯૦.૫૫, પર્સિસ્ટન્ટ રૂ.૩૬.૭૦ વધીને રૂ.૫૧૭૦.૯૫ રહ્યા હતા.
FPIs/FII કેશમાં રૂ.૪૪૮૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજેસોમવારે કેશમાં રૂ.૪૪૮૮.૪૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૬૦૦૦.૬૦ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૭૨૬.૧૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૭૨૫.૫૦ કરોડની વેચવાલી કરી હતી.