– 2017માં કરાયેલા રોકાણ પર 190 ટકાથી વધુ વળતર પ્રાપ્ત
મુંબઈ : વર્તમાન વર્ષમાં સોનામાં જોવા મળેલા વિક્રમી ભાવનો લાભ સોવેરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી)ના રોકાણકારોને થઈ રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૧૬-૧૭ની એસજીબીની ચોથી શ્રેણીમાં રોકાણ કરનારા રોકાણકારોને હાલના ભાવ પ્રમાણે ૧૯૦ ટકાથી વધુનું વળતર છૂટી રહ્યાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.
માર્ચ ૨૦૧૭માં આવેલી એસજીબી શ્રેણી જે ૧૭મી માર્ચે રિડીમ થઈ છે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેનો રિડમ્પશન ભાવ પ્રતિ એક ગ્રામના રૂપિયા ૮૬૩૪ જાહેર કર્યા છે.
આઠ વર્ષના આ બોન્ડનો ઈશ્યુ ભાવ પ્રતિ એક ગ્રામ રૂપિયા ૨૯૪૩ રહ્યો હતો. આમ મૂળ રોકાણ પર રોકાણકારોને ૧૯૩ ટકાનું વળતર પ્રાપ્ત થયું હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
૧૭મી માર્ચ, ૨૦૨૫ના અંતિમ રિડમ્પશનનો ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈબ્જા)ના .૯૯૯ ગોલ્ડના છેલ્લા ત્રણ કામકાજના દિવસના ભાવની સરેરાશને આધારે નિશ્ચિત કરાયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સોનાના ભાવમાં હાલમાં ચાલી રહેલી અભૂતપૂર્વ તેજીને ધ્યાનમાં રાખી સરકારે વર્તમાન નાણાં વર્ષ માટે એક પણ શ્રેણીની જાહેરાત કરી નથી અને એસજીબી સ્કીમ પડતી મુકાઈ હોવાના નાણાં મંત્રાલય દ્વારા તાજેતરમાં સંકેત પણ અપાયા હતા.
ગયા સપ્તાહના અંતે વિશ્વ બજારમાં સોનાનો ઔંસ દીઠ ભાવ ૩૦૦૦ ડોલર પહોંચી જતા ઘરઆંગણેની બજારમાં સોનાનો દસ ગ્રામનો ભાવ રૂપિયા ૯૦,૦૦૦ને આંબી ગયો હતો.
એસજીબીના રોકાણ પર રોેકાણકારોને વાર્ષિક ૨.૫૦ ટકા વ્યાજ પણ આપવામાં આવે છે. પાકતી મુદત સુધી જાળવી રખાતા એસજીબી પર થતા લાભને કેપિટલ ગેઈન ટેકસમાંથી મુક્તિ અપાઈ છે.
દેશમાં ગોલ્ડની હાજર માગ ઘટાડવાના હેતુ સાથે વર્તમાન સરકારે ૨૦૧૫માં એસજીબી સ્કીમ જાહેર કરી હતી.