![]()
વડોદરા : વાટ્સએપ પર આરટીઓનું ટ્રાફિક ચલણ મોકલ્યા બાદ ફાઇલ ડાઉનલોડ
કરતાં જ મોબાઇલ હેક થયો હતો અને એકાઉન્ટમાંથી લાખોની રકમ અન્ય એકાઉન્ટમાં
ટ્રાન્સફર થઈ ગઈ હતી. આ બનાવમાં સંડોવાયેલા બે આરોપીએ જામીન અરજી મૂકતાં
ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, આરોપીઓએ ફરિયાદીના સમાજના વાટ્સએપ ગૃપમાં
આરટીઓનું ટ્રાફિક ચલણ મોકલ્યું હતું. ફરિયાદીએ તેને ડાઉનલોડ કર્યા બાદ તેના
એકાઉન્ટમાંથી ૭,૯૯,૦૦૧ની રકમ અન્ય
એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. જોકે, ફરિયાદીને અમુક રકમ
પરત મળી હતી અને ૪.૯૯ લાખની રકમ પરત ન મળતાં સાઇબર ક્રાઇમ પોલીસે આ બનાવ અંગે
ગુનો દાખલ કર્યો હતો.
તપાસમાં ઠગાઈના બનાવમાં ઉત્તરપ્રદેશના બે આરોપીઓ ઉમેશ ચતુર્વેદી
અને બોબી રાજાની સંડોવણી સપાટી પર આવતાં પોલીસે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કરતાં
આ બંને આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. ન્યાયાધીશે બંને આરોપીની
જામીન અરજી રદ કરી નોંધ્યું હતું કે, નાણાકીય વ્યવહારોમાં આરોપીઓની મુખ્ય ભૂમિકા
જોતાં, કસ્ટડીયલ ઇન્ટ્રોગેશનની જરૃરિયાત જણાય છે.










