– વસ્ત્ર સેક્ટરના નિકાસકારોએ આ સુવિધા બંધ કરવાની અપીલ કરી હતી
– આ સુવિધામાં ભારતે બાંગ્લાદેશને પોર્ટ અને એરપોર્ટના માર્ગમાં કોઇ ત્રીજા દેશને નિકાસ કરવા ભારતીય ભૂમિ કસ્ટમ સ્ટેશનોનો ઉપયોગની મંજૂરી આપી હતી
નવી દિલ્હી : સરકારે બાંગ્લાદેશના પોર્ટ અને એરપોર્ટના માર્ગમાં કોઇ ત્રીજા દેશને નિકાસ કરવા માટે ભારતીય ભૂમિ કસ્ટમ સ્ટેશનોનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી ટ્રાન્સ શિપમેન્ટ સુવિધા બંધ કરી દીધી છે તેમ એક સરકારી સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે.
મુખ્યત્વે વસ્ત્ર સેક્ટરના ભારતીય નિકાસકારોએ અગાઉ સરકારને પાડોશી દેશને આપવામાં આવેલી આ સુવિધા બંધ કરવાની અપીલ કરી હતી.
બાંગ્લાદેશ આ સુવિધાને કારણે ભૂટાન, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોમાં સરળતાથી નિકાસ કરી શકતું હતું. ભારતે જૂન, ૨૦૨૦માં બાંગ્લાદેશને આ સુવિધા આપી હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમના આઠ એપ્રિલના સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે ૨૯ જૂન, ૨૦૨૦ના સંશોધિત પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં અગાઉથી પ્રવેશ કરેલા કાર્ગોને તે પરિપત્રમાં આપવામાં આવેલ પ્રક્રિયા અનુસાર ભારતીય ક્ષેત્રની બહાર જવાની પરવાનગી આપવામાં આવી શકે છે.
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકાએ ભારત અને બાંગ્લાદેશ સહિત અનેક દેશો પર મોટા પ્રમાણમાં ટેરિફ નાખ્યો છે.
વેપાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી વસ્ત્ર, શૂઝ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ભારતીય નિકાસ ક્ષેત્રોને મદદ મળશે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ કપડા સેક્ટરમાં ભારતનો મોટો હરીફ છે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભારત-બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર ૧૨.૯ અબજ ડોલર હતો.