બે મિત્રો અને દંપતી ઈજાગ્રસ્ત બન્યા
મહુધા- મહેમદાવાદ રોડ પર ટ્રક પાછળ બાઈક ઘૂસતા મામાનું માથું છુંદાઈ જતા મૃત્યુ, ભાણાને ઈજા
નડિયાદ: મહુધા મહેમદાવાદ રોડ ઉપર ભુમસ નજીક ડમ્પર પાછળ અથડાતા બાઈક ચાલકનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે ખેડા જિલ્લામાં અન્ય બે અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિને ઈજા થઈ હતી. આ બનાવ સંદર્ભે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદ રામોલમાં રહેતા દેવીસિંહ દોલતસિંહ પરમાર વતન ઠાસરા તાલુકામાં ચીતલાવ ગામમાં પ્રસંગમાં હાજરી આપી ભાણા વિરેન્દ્ર અશોકભાઈ વિહોલને સાથે લઈ મોટરસાયકલ પર રામોલ- અમદાવાદ જતા હતા. તેઓ મહુધાથી મહેમદાવાદ રોડ ઉપર રાત્રિના ૧૦ વાગ્યે ભુમસ આમ્રપાલી હોટલ નજીક આગળ જતી ટ્રકે બ્રેક મારી ઉભી રહેતા મોટરસાયકલ ટ્રક પાછળ અથડાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક વિરેન્દ્રભાઈ અશોકભાઈ વિહોલ (ઉં.વ.૩૨)નું માથું છુંદાઈ જતા ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત દેવીસિંહ પરમારને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. આ બનાવ અંગે દેવીસિંહ દોલતસિંહ પરમારની ફરિયાદના આધારે મહુધા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
બીજા બનાવમાં નડિયાદના દાવડા ગામના સંજય રમેશભાઈ ચૌહાણ મિત્ર રાહુલભાઈ દિનેશભાઈ પરમારને એક્ટિવા પર લઈ પાલૈયા મજૂરીના રૂપિયા લેવા જતા હતા. મરીડા હાથજ રોડ ઉપર મોતીપુરા વળાંક પાસે સામેથી આવતી બાઈકને અથડાતા એક્ટિવા પર સવાર બંનેને ઈજા થઈ હતી. આ ઘટનામાં નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો છે.
નડિયાદના ફતેપુરાના હરિભાઈ મોહનભાઈ ભરવાડ પત્ની ગીતાબહેનને બાઈક પર લઈ બિલોદરા જતા હતા.
ત્યારે હેલિપેડ ચોકડી પાસે બાઈક ઊભું રાખ્યું હતું. ત્યારે ઈકો ગાડીનું ટાયર ફાટતા ગાડી અથડાતા બાઈક ડિવાઈડર પર ચઢી ગયું હતું. ત્યારે દંપતીને ઈજાઓ થઈ હતી. આ બનાવમાં નડિયાદ ટાઉન પોલીસે ઈકો ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.