મુંબઈ : વિશ્વને ઐતિહાસિક ટ્રેડ વોરમાં ધકેલનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે અન્ય દેશો સાથે ડિલ કરવા તૈયાર હોવાના સંકેત સામે હવે આ યુદ્વ અમેરિકા અને ચાઈના વચ્ચે જીદની લડાઈનું બની ગયું હોઈ સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું છે. પરસ્પર ચાઈના અને અમેરિકા એકબીજા પર ટેરિફ દરો વધારતાં આજે અમેરિકાએ ચાઈના પર ટેરિફ વધારી ૧૦૪ ટકા કરતાં અને વળતા પ્રહારમાં ચાઈનાએ અમેરિકા પર ટેરિફ ૩૪ ટકાથી વધારીને ૮૪ ટકા કરતાં ડહોળાયેલા સેન્ટીમેન્ટમાં આજે ફરી વૈશ્વિક બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. આ યુદ્વ ક્યાં જઈને અટકશે એ કળવું કે ભવિષ્યવાણી કરવી ટ્રમ્પ સિવાય કોઈપણ માટે અસંભવ બનતાં આ અનિશ્ચિતતાએ ફંડો ફરી ઉછાળે વેચવાલ બન્યા હતા. ગુરૂવારે ૧૦, એપ્રિલ ૨૦૨૫ના મહાવીર જયંતી નિમિતે શેર બજારો બંધ રહેનાર હોવાથી પણ આજે ફંડોએ ઉછાળે તેજીનો વેપાર હળવો કર્યો હતો. મોડી સાંજે યુરોપીય યુનિયન દ્વારા પણ અમેરિકાથી થતી આયાત પર ૧૫, એપ્રિલથી ટેરિફ વધારવાનો નિર્ણય લેવાતાં વૈશ્વિક બજારોમાં મોડી સાંજે ડામાડોળ સ્થિતિ જોવાઈ હતી.
ફુગાવાના અંદાજમાં ઘટાડા સામે જીડીપી વૃદ્વિનો અંદાજ ઘટાડીને મૂકતાં શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું
ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે રેપો રેટમાં અપેક્ષિત ૦.૨૫ ટકાનો ઘટાડો કરવા છતાં જીડીપી વૃદ્વિ માટેનો અંદાજ ઘટાડતાં અને વૈશ્વિક ઉથલપાથલને કારણે અને ટ્રમ્પ દ્વારા ટૂંક સમયમાં હેલ્થકેર-ફાર્મા ક્ષેત્રે ટેરિફ જાહેર થવાના નિવેદનની નેગેટીવ અસરે શેરોમાં નવા કમિટમેન્ટ કે ખરીદીથી ઈન્વેસ્ટરો દૂર ફંડો વેચવાલ રહ્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, હેલ્થકેર-ફાર્મા, બેંકિંગ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૩૭૯.૯૩ પોઈન્ટ ગબડીને ૭૩૮૪૭.૧૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૩૬.૭૦ પોઈન્ટ તૂટીને ૨૨૩૯૯.૧૫ બંધ રહ્યા હતા.
આઈટી-સોફ્ટવેર શેરોમાં ધોવાણ : બ્લેક બોક્સ રૂ.૧૯, ૬૩ મૂન્સ રૂ.૩૬, ઝેગલ રૂ.૧૫, વિપ્રો રૂ.૧૧ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં નાસ્દાકમાં ગઈકાલે ઉછાળો ધોવાતાં ફરી વેચવાલી નીકળી હતી. આ સાથે ટીસીએસના આજે જાહેર થનારા પરિણામ પૂર્વે પણ સાવચેતીમાં ફંડો હળવા થયા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૫૫.૨૩ પોઈન્ટ ગબડીને ૩૨૦૨૨.૪૦ બંધ રહ્યો હતો. બ્લેક બોક્સ રૂ.૧૮.૭૦ તૂટીને રૂ.૩૨૬.૯૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૬.૪૦ તૂટીને રૂ.૬૯૧.૯૦, ઝેગલ રૂ.૧૪.૭૫ ઘટીને રૂ.૩૦૧.૮૫, વિપ્રો રૂ.૧૦.૬૦ ઘટીને રૂ.૨૩૬.૬૫, એફલે રૂ.૫૭.૧૫ તૂટીને રૂ.૧૪૦૨.૮૫, ઝેનસાર રૂ.૨૩.૨૦ ઘટીને રૂ.૬૨૭.૮૫, નેલ્કો રૂ.૨૮.૩૫ ઘટીને રૂ.૮૧૬.૫૦, ટેક મહિન્દ્રા રૂ.૪૨.૮૦ ઘટીને રૂ.૧૨૭૨.૨૦, ટીસીએસ રૂ.૪૭.૪૫ ઘટીને રૂ.૩૨૪૬.૧૦, ઈન્ફોસીસ રૂ.૨૫.૧૦ ઘટીને રૂ.૧૪૦૪.૨૦ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો વેચવાલ : થર્મેક્સ ૧૫૮ તૂટી રૂ.૩૦૭૦ : એલજી ઈક્વિ, સુઝલોન, લાર્સન ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે ફંડોએ ફરી વેચવાલી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૬૧.૦૨ પોઈન્ટ ગબડીને ૫૭૩૧૪.૯૬ બંધ રહ્યો હતો. થર્મેક્સ રૂ.૧૫૮.૨૫ તૂટીને રૂ.૩૦૭૦.૯૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૬.૩૦ ઘટીને રૂ.૪૦૧.૬૦, સુઝલોન રૂ.૧.૮૬ ઘટીને રૂ.૫૧.૨૩, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૦૨.૧૦ ઘટીને રૂ.૩૦૫૯.૧૦, શેફલર રૂ.૯૫.૫૫ ઘટીને રૂ.૨૯૮૦, ટીટાગ્રહ રૂ.૨૧.૦૫ ઘટીને રૂ.૭૩૭.૫૦, પાવર ઈન્ડિયા રૂ.૩૨૦.૫૦ ઘટીને રૂ.૧૧,૩૪૮.૨૫, આઈનોક્સ ઈન્ડિયા રૂ.૩.૭૦ ઘટીને રૂ.૧૪૧, આરવીએનએલ રૂ.૬.૭૦ ઘટીને રૂ.૩૩૭.૫૫, સિમેન્સ રૂ.૪૮.૩૫ ઘટીને રૂ.૨૭૧૬.૦૫, ટીમકેન રૂ.૩૭.૩૦ ઘટીને રૂ.૨૨૬૯.૮૦ રહ્યા હતા.
ટ્રમ્પની ફાર્મા ઈમ્પોર્ટ પર ટેરિફની તૈયારીએ હેલ્થકેર શેરો ડામાડોળ : પિરામલ ફાર્મા, બ્લુજેટ, થેમીસ તૂટયા
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફાર્મા આયાત પર આકરાં ટેરિફ દરો ટૂંક સમયમાં જ જાહેર કરવાની ચેતવણી વચ્ચે આજે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફરી ફંડો વેચવાલ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૭૮.૮૬ પોઈન્ટ ગબડીને ૩૯૫૬૨.૫૨ બંધ રહ્યો હતો.બ્લુજેટ રૂ.૬૯.૬૦ તૂટીને રૂ.૬૨૭.૪૦, થેમીસ મેડી રૂ.૧૨.૧૫ ઘટીને રૂ.૧૧૫.૮૦, કેપલિન પોઈન્ટ રૂ.૧૪૬.૭૦ તૂટીને રૂ.૧૭૧૬.૭૦, માર્કસન્સ રૂ.૧૩.૯૫ ઘટીને રૂ.૧૯૪.૫૦, જયુબિલન્ટ ફાર્મા રૂ.૫૩.૨૫ ઘટીને રૂ.૮૨૭.૮૫, પિરામલ ફાર્મા રૂ.૧૩.૧૫ ઘટીને રૂ.૨૦૮.૩૦, યુનિકેમ લેબ રૂ.૩૨.૮૫ ઘટીને રૂ.૫૫૪.૭૫, બાયોકોન રૂ.૧૭.૨૦ ઘટીને રૂ.૩૦૫.૨૦, વોખાર્ટ રૂ.૬૪.૯૫ ઘટીને રૂ.૧૧૯૯.૫૦, ઈપ્કા લેબ રૂ.૬૭.૭૦ ઘટીને રૂ.૧૨૯૬.૨૫, શિલ્પા મેડી રૂ.૩૪.૧૦ ઘટીને રૂ.૬૦૯.૪૫ રહ્યા હતા.
ચાઈના-અમેરિકા વેપાર યુદ્વ આક્રમક બનતાં મેટલ શેરોમાં વેચવાલી : હિન્દુસ્તાન ઝિંક, વેદાન્તા ઘટયા
ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર વકરતાં વૈશ્વિક મેટલ સપ્લાય પર અસરની શકયતા વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી રહી હતી. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૮૯.૨૩ પોઈન્ટ ઘટીને ૨૬૬૧૭.૧૯ બંધ રહ્યો હતો. વેદાન્તાનું ચાર કંપનીઓમાં ડિમર્જર કરવાના ડેવલપમેન્ટ વચ્ચે આજે હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૪૦૦.૬૦, વેદાન્તા રૂ.૫.૨૦ ઘટીને રૂ.૩૭૦.૫૦ રહ્યા હતા. ટાટા સ્ટીલ રૂ.૩ ઘટીને રૂ.૧૨૭.૨૦, કોલ ઈન્ડિયા રૂ.૮.૨૫ ઘટીને રૂ.૩૭૪.૭૦, નાલ્કો રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૪૩.૫૦ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૫ લાખ કરોડ ઘટીને રૂ.૩૯૩.૮૨ લાખ કરોડ
વૈશ્વિક બજારોમાં ફરી ધોવાણની સાથે ભારતીય બજારોમાં પણ આજે વેચવાલી નીકળતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૭૫ લાખ કરોડ ઘટીને રૂ.૩૯૩.૮૨ લાખ કરોડ રહ્યું હતું.
રેપો રેટમાં ઘટાડા છતાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં નરમાઈ : સ્ટેટ બેંક, બીઓબી, એક્સિસ બેંક ઘટયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે ધિરાણ નીતિની સમીક્ષા કરતાં રેપો રેટમાં અપેક્ષિત ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યા છતાં જીડીપી વૃદ્વિ માટેનો અંદાજ ઘટાડીને મૂકતાં નેગેટીવ અસરે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦૦.૮૦ પોઈન્ટ તૂટીને ૫૭૪૮૭.૭૫ બંધ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૬.૩૫ ઘટીને રૂ.૭૪૨.૦૫, બેંક ઓફ બરોડા રૂ.૫.૫૫ ઘટીને રૂ.૨૩૦.૨૫, એક્સિસ બેંક રૂ.૧૫.૮૫ ઘટીને રૂ.૧૦૬૧.૬૫, કેનેરા બેંક રૂ.૮૮.૪૮, એચડીએફસી બેંક રૂ.૩.૬૦ ઘટીને રૂ.૧૭૬૫.૫૦ રહ્યા હતા.
ગોલ્ડ લોનના ધોરણો સખ્ત નહીં કરવાની સ્પષ્ટતાએ તૂટેલા ફાઈનાન્સ શેરોમાં રિકવરી : મુથુટ ફાઈ. તૂટયો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગોલ્ડ લોનના ધોરણોને સખ્ત કરવામાં આવશે એવા બિનસત્તાવાર અહેવાલ વહેતાં થતાં ફાઈનાન્સ શેરોમાં આજે આરંભમાં વેચવાલી બાદ આરબીઆઈ ગવર્નરે આવી કોઈ યોજના નહીં હોવાની સ્પષ્ટતા કરતાં રિકવરી જોવાઈ હતી. મુથુટ ફાઈનાન્સ નીચામાં રૂ.૨૦૨૭.૨૫ સુધી પટકાઈ અંતે રૂ.૧૫૩.૭૫ ઘટીને રૂ.૨૧૪૦.૩૦ રહ્યો હતો. એડલવેઈઝ રૂ.૪.૨૩ ઘટીને રૂ.૭૫.૧૨, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૩૯.૮૦ ઘટીને રૂ.૯૨૩.૭૦, આઈઆઈએફએલ રૂ.૮.૫૦ ઘટીને રૂ.૩૨૫.૧૦, પોલીસી બાઝાર રૂ.૬૨.૭૫ ઘટીને રૂ.૧૪૬૭.૬૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૧૮.૪૫ ઘટીને રૂ.૬૨૪.૩૫, ધની રૂ.૧.૯૦ ઘટીને રૂ.૫૪.૫૮, ઈન્ડિયન બેંક રૂ.૧૯.૮૫ ઘટીને રૂ.૫૨૭, ચૌલા હોલ્ડિંગ રૂ.૬૮.૦૫ ઘટીને રૂ.૧૬૫૩ રહ્યા હતા.
વૈશ્વિક અનિશ્ચિતતા અને રજા પૂર્વે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડો હળવા થયા : ૨૬૧૮ શેરો પોઝિટીવ બંધ
વૈશ્વિક ટેરિફ યુદ્વમાં હવે અમેરિકા, ચાઈનાના આક્રમક યુદ્વે સર્જેલી અનિશ્ચિતતાએ સેન્ટીમેન્ટ વધુ ડહોળાતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો નવી ખરીદીથી દૂર રહી વેચવાલ બનતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૧૮થી ઘટીને ૧૪૪૫ અને ઘટનારની સંખ્યા ૫૬૭થી વધીને ૨૪૪૨ રહી હતી.
અમેરિકી બજારોમાં અફડાતફડી : યુરોપીય યુનિયને પણ અમેરિકા પર ટેરિફ વધારતાં યુરોપના બજારોમાં ગાબડાં
ચાઈનાએ અમેરિકા પર ટેરિફ વધારીને ૮૪ ટકા કર્યા બાદ મોડી સાંજે યુરોપીય યુનિયન (ઈયુ) દ્વારા પણ વળતાં પગલાંમાં અમેરિકાની ચીજોની આયાત પર ટેરિફ ૧૫, એપ્રિલથી વધારવાના નિર્ણયે વૈશ્વિક બજારોમાં ગાબડાં પડયા હતા. લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૨૦ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૬૦૦ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૨૨૨ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. જ્યારે એશીયાના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૨૯૮ પોઈન્ટ તૂટયો હતો. હોંગકોંગનો હેંગસેંગ ૧૩૭ પોઈન્ટ વધ્યો હતો. ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૩૬ પોઈન્ટ વધ્યો હતો. અમેરિકી શેર બજારો આજે મજબૂતીએ ખુલ્યા બાદ વોલેટીલિટી વચ્ચે ઉછાળો ધોવાતો જોવાયો હતો.