UP News : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી યોગીની ‘ઝીરો ટોલરન્સ’ નીતિની અસર દેખાય છે. યુપી રાજ્ય ગુનેગારોનું ગઢ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મિશન શક્તિ ફેઝ-5 દ્વારા સરકારે મહિલાઓ, બાળકો અને સામાન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ‘દસ કે દમ’ નામના 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની કમર તોડી છે.
યુપી સરકાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10 અભિયાન શરૂ કર્યા છે. જેમાં ઓપરેશન ત્રિનેત્ર, મજનૂ, ગરુડ, બચપન, ખોજ, રક્ષા, શીલ્ડ, ડેસ્ટ્રાય અને વ્યસન મુક્તિનો સમાવેશ થાય છે. આ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં એક લાખથી વધુ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન 227 કુખ્યાત ગુનેગારોને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે.
ડીજીપીએ શું કહ્યું?
ડીજીપી જણાવ્યું હતું કે, ‘ઓપરેશન ત્રિનેત્ર હેઠળ રાજ્યભરમાં 11 લાખથી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાની મદદથી લૂંટ અને હત્યા જેવા 5,718 ગંભીર કેસ ઉકેલાયા છે. જ્યારે ઓપરેશન મજનૂ હેઠળ મહિલાઓ અને યુવતીઓની છેડતી કરનારા 58,624 શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ખાસ ઝુંબેશ શાળાઓ, કોલેજો અને ભીડભાડવાળા વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી. તેમજ ઓપરેશન ઇગલ હેઠળ જેલમાંથી મુક્ત થયેલા 7,963 ગુનેગારો પર નજર રાખવામાં આવી હતી, જેમાંથી 2,683ને ફરીથી પકડવામાં આવ્યા હતા.’
બાળકો માટે ખાસ અભિયાન
જ્યારે ઓપરેશન બચપન અને ખોજ દ્વારા બાળ મજૂરી, ભીખ માંગવા અને ગુમ થયેલા બાળકોને લઈને કામ કરવામાં આવ્યું હતું. જેમાં 2,860 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 3,327 ગુમ થયેલા બાળકોને શોધીને ઘરે મોકલવામાં આવ્યા હતા. તેમજ ઓપરેશન નશા મુક્તિ હેઠળ, 4,750 ડ્રગ્સ ડેન ઓળખવામાં આવ્યા હતા અને 33 હજારથી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેવામાં ઓપરેશન ગરુડ દ્વારા મહિલાઓ વિરુદ્ધ સાયબર ગુનાઓને રોકવાના પ્રયાસો કરાયો હતો.
આ પણ વાંચો: 26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ
રાજ્યમાં ગુનાઓમાં ભારે ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. સતત કડક કાર્યવાહી કરીને અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુપી પોલીસે ગુનેગારોમાં ભય પેદા કર્યો છે. ‘દસ કે દમ’ જેવા અભિયાનોએ જનતાનો સુરક્ષામાં વિશ્વાસ વધાર્યો છે.