Pakistan And Afghanistan Cross Border Firing: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે ગુરૂવારે સવારે ફરી એકવાર તંગદિલીનો માહોલ સર્જાયો છે. બંને દેશોએ અફઘાનિસ્તાનની બરમાચા સરહદ પર આમને-સામને ફાયરિંગ કર્યું હતું. આ વિસ્તાર પાકિસ્તાનના બલૂચિસ્તાનના સમાનાંતરમાં સ્થિત છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, બોર્ડર પર નવી ચોકીઓ બનાવવાથી વિવાદ સર્જાયો હતો. જેના લીધે બંને દેશો વચ્ચે આજે સવારથી ફાયરિંગ શરૂ થયુ હતું. જો કે, થોડા કલાક બાદ ફાયરિંગ બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં બપોર પછી ફરી તણાવ વધ્યો હતો. બપોરે લગભગ 4.30 વાગ્યે બંને દેશો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. પાકિસ્તાનની સેનાએ અફઘાનિસ્તાન સામે યુદ્ધની સ્થિતિ સર્જાવવાની ભીતિ સાથે ટેન્ક પણ તૈનાત કર્યા છે. અફઘાન સરહદ પર બનાવવામાં આવેલી ચોકીઓને તોપમારો કરી ઉડાવી દેવામાં આવી હતી.
પાકિસ્તાનની તાલિબાન સાથે દુશ્મની વધી
પાકિસ્તાન અને અફઘાન તાલિબાન આજે કટ્ટર દુશ્મન બન્યા છે. બંને એક-બીજાના સૈનિકોના મોત પર ઉજવણી કરી રહ્યા છે. અફઘાનની તાલિબાની સેના છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન પર હુમલા કરી રહી છે. તાલિબાન સમર્થક ટીટીપીએ પાકિસ્તાનમાં તેની ચોકીઓ પર કબજો મેળવ્યો છે. તાલિબાન દ્વારા પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરવા ઉપરાંત સેના પર હુમલાઓનો કિસ્સા વધ્યા છે.