(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
દરોડા દરમિયાન હાથ લાગેલા નામ સાથેના કે નામ વિનાના કે પછી અધકચરી સૂચના સાથેની ચિઠ્ઠીને આધારે કરદાતાઓની આવકમાં કરોડો રૃપિયાનો ઉમેરો કરીને કરદાતા સામે મોટી વેરા ડિમાન્ડ મૂકવાના ઢગલાબંધ કિસ્સાઓમાં નોટિસ મળવા માંડી છે. અમદાવાદના એક બિલ્ડરના દલાલ તરીકે કામ કરનારી વ્યક્તિની ઓફિસમાં એક પ્લોટની આશરે વેચાણ કિંમત રૃા. ૬૦૦૦ અને પ્લોટ નંબર તથા વિસ્તારનું નામ લખીને કોઈએ તે વેચવાની લેખિત ચિઠ્ઠી મૂકી હતી. આવકવેરાના દરોડામાં આ ચિઠ્ઠી પકડાઈ હતી. આ ચિઠ્ઠી ૨૦૨૧ના દરોડા દરમિયાન પકડાઈ હતી, પરંતુ ચિઠ્ઠીમાં દર્શાવેલો પ્લોટ વેચાયો તેનો સોદો થયો ત્યારે તેનો દસ્તાવેજ ચોરસવારના રૃા. ૨૩૦૦ના ભાવે થયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આમ વારદીઠ રૃા. ૩૭૦૦ ઓનમની તરીકે લેવામાં આવ્યા છે. આમ રૃા. ૩૭૦૦ના ઓનમનીના ૨૦૦૦થી વધુ વારના પ્લોટના વેચાણ માાટે ગણતરી કરવામાં આવે તો રૃા. ૧.૩૭ કરોડથી વધુ રકમ થાય છે. તેથી તેમાં અંદાજે રૃા. ૯૬ લાખ ઓનમની તરીકે લઈને વેરાની ચોરી કરવામાં આવી છે.
દસ્તાવેજ પૂર્વે થયેલા મળેલી ચિઠ્ઠીમાં લખેલા ભાવને તે જમીનની વેચાણ કિંમત ગણી લઈને તેની આવકમાંથી કેટલીક આવક છૂપાવી હોવાનું જણાવીને તેના પર ટેક્સ ભરવાની માગણી સાથેની નોટિસ કરદાતાઓને પાઠવવામાં આવી છે. આમ ચિઠ્ઠીમાં લખેલા ભાવ અને દસ્તાવેજમાં દર્શાવેલા વારદીઠ સોદાના ભાવ વચ્ચેના ગાળાની રકમને ઓનમની ગણી લઈને તે આવક કરદાતાએ છુપાવી હોવાના તારણ પર આવકવેરા અધિકારી આવી રહ્યા છે.
આઘાત પમાડે તેવી બાબત તો એ છે કે જે દલાલ કે એજન્ટને ત્યાંથી ચિઠ્ઠી મળી છે તે દલાલ કે એજન્ટે તે જમીનનો સોદો પણ ન કર્યો હોવા છતાંય વેચનારા ખરીદનાર પાસે ચિઠ્ઠીમાં દર્શાવેલી કિંમતથી જેટલી ઓછી કિંમત લીધી તેને ઓનમની એટલે કે બિનહિસાબી નાણાંની છુપાવેલી આવક ગણીને તેના પર ટેક્સ ગણીને નોટિસ ફટકારી દીધી છે.
આઘાત પમાડે તેવી બાબત તો એ છે કે કમિશનર કઈ રીતે આ પ્રકારની નોટિસ આપવાની મંજૂરી આપે છે. કમિશનર ખુદ આ મુદ્દે ઊંડા ઉતરવા માગતા ન હોવાનું અને નોટિસ આપી હોવાનું દર્શાવીને કામ કર્યાનો સંતોષ લેતા હોવાનું જણાય છે.