વડોદરાઃ ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રારંભથી જ કાળઝાળ ગરમી પડી રહી છે.આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે ગુજરાતની વીજ માગ પણ ગરમીના પારાની જેમ જ ઝડપભેર ઉપર જઈ રહી છે.એપ્રિલ મહિનાના પહેલા ૧૦ દિવસમાં જ ગુજરાતની વીજ માગ ૨૫૦૦૦ મેગાવોટને પાર કરી ગઈ છે.
સૂત્રોનું કહેવું છે કે, ગત વર્ષે ગુજરાતની સૌથી વધારે ૨૫૫૦૦ મેગાવોટ જેટલી વીજ માગ જૂન મહિનામાં નોંધાઈ હતી અને આ રેકોર્ડ એપ્રિલ મહિનામાં થોડા માટે જ તૂટતા રહી ગયો છે.આમ છતા આ જ પ્રકારની ગરમી ચાલુ રહી તો એપ્રિલ મહિનામાં જ ગુજરાતની વીજ માગ ૨૬૫૦૦ મેગાવોટ સુધી પહોંચી જવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.
માર્ચ મહિનાના પહેલા નવ દિવસ અને એપ્રિલ મહિનાના પહેલા નવ દિવસની સરખામણી કરવામાં આવે તો એપ્રિલ મહિનાના પાંચ દિવસ એવા છે જ્યારે માર્ચ મહિનાની સરખામણીએ રાજ્યની વીજ માગ ૨૦૦૦ મેગાવોટ કરતા વધારે રહી છે.તેમાં પણ આઠ એપ્રિલે તો વીજ માગ વધીને ૨૫૩૨૧ મેગાવોટ પર પહોંચી ગઈ હતી.જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.તેના એક દિવસ પહેલા એટલે કે સાત એપ્રિલે પણ વીજ માગ ૨૫૨૮૩ મેગાવોટ રહી હતી.