– સ્થાનિક એનજીઓએ ચેતવણી આપી
– ગયા વર્ષે ચાર ધામ યાત્રામાં કુલ 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા
દહેરાદૂન : ઉત્તરાખંડમાં પ્રવાસીઓના ધસારા સામે સ્થાનિક એનજીઓએ ચેતવણી આપી છે. ચારધામના યાત્રાસ્થાનોના દૈનિક ધોરણે વધતા જતા શ્રદ્ધાળુઓની સંખ્યા સામે સ્થાનિક એનજીઓએ ગંભીર પરિણામો સર્જાવવાની ભીતિ વ્યક્ત કરી છે.
ઉત્તરાખંડ સરકારે હિમાલયની તળેટીમાં વસતા મંદિરોની મુલાકાતે આવતા યાત્રાળુઓની સંખ્યા પર કોઈપણ પ્રકારની ટોચમર્યાદા લાદવાની ના પાડી તેની સામે સ્થાનિક એનજીઓએ ગંભીર સ્થિતિ સર્જાવવાની ચેતવણી આપી છે.
એનજીઓના સ્થાપકે જણાવ્યું હતું કે સરકારના નિર્ણયનો સીધો અર્થ થાય કે દરેક રજિસ્ટર્ડ યાત્રાળુને મુલાકાત લેવાની છૂટ હશે. તેના કારણે દરેક વર્ષ વીતવાની સાથે યાત્રાને લઈને જોખમ વધતુ જશે. તેથી શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને નિયંત્રિત કરવી જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે જો યાત્રાસ્થળોની મર્યાદાને જાણીને શ્રદ્ધાળુઓની સંખ્યાને નિયંત્રિત કરવામાં નહીં આવે તો અવ્યવસ્થા સર્જાવવાની પૂરેપૂરી સંભાવના છે.ેતેના લીધે યાત્રાળુઓનો જીવ ભયમાં મૂકાઈ શકે છે અને આ વિસ્તારના વાતાવરણની સ્થિતિ વધુને વધુ બગડી શકે છે.
દર વર્ષે યોજાતી ચારધામ યાત્રાનો આ વર્ષે ૩૦ એપ્રિલથી પ્રારંભ થયો છે. ગંગોત્રી અને યમનોત્રીના મંદિરના કપાટ ખૂલવાની સાથે યાત્રાનો પ્રારંભ થયો છે. ગયા વર્ષે ૫૦ લાખ યાત્રાળુઓએ ચારધામ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લીધી હતી.