વડોદરાઃ ગુજરાતના અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ આજે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભક્તિભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરામાં જૈન સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચારે ફિરકાના જૈન સંઘો જોડાયા હતા.બગી, ઘોડા, ટેમ્પો સાથે નીકળેલી શોભયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.માંડવીથી શરુ થયેલી શોભાયાત્રા ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ થઈને મામાની પોળના જૈન દેરાસર ખાતે સંપન્ન થઈ હતી.શોભાયાત્રામાં જૈનાચાર્યો, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.શોભાયાત્રાનું રસ્તા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સાથે સાથે લોકોને લાડુના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
પોલોગ્રાઉન્ડ ખાતે પણ આજે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા આજે સાંજે ભજન સંધઅયા, નૃત્ય સંગીત હજારો દીવાઓની મહાઆરતીના કાર્યક્રમ સાથે જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં હજારો શ્રધ્ધાળુઓ સામેલ થયા હતા.
આજે ભગવાન મહાવીર જયંતિ નિમિત્તે શહેરના વિવિધ દેરાસરોમાં પણ જૈન ભાવિકો દર્શન કરવા માટે ઉમટયા હતા.દેરાસરો પર રોશની સહિત ડેકોરેશન કરવામાં આવ્યું હતું.