વડોદરા, તા.૧૦ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં કુલ રૃ.૧૦.૧૯ કરોડના ખર્ચે સાધલીથી સેગવા વચ્ચેનો આશરે ૧૦ કિલોમીટરનો રોડ પર્યાવરણ માટે હાનિકારક એવા પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ રોડ કરજણ તાલુકો તેમજ શિનોર તાલુકાને જોડતો અગત્યનો માર્ગ છે. આ રસ્તો સેગવા ગામથી સાધલી ગામને જોડે છે. વધુમાં સાધલીથી સેગવા ગામ વચ્ચે આવતા અન્ય ગામો જેવા કે, અવાખલ, મીંઢોળ, માંજરોલ, તેરસા વગેરે ગામોના ઉપયોગમાં આવતો માર્ગ છે. આ રસ્તા પર અવાખલ ગામ પાસે અને ફેકટરી પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા પણ હતી જેનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવ્યો છે.
રોડ બનાવવામાં પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા વર્ષ-૨૦૧૩માં વેરિંગ કોર્સમાં હોટ બિટયુમિનસ મિક્સ (ડ્રાય પ્રોસેસ)માં વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત સહિત વિવિધ દેશોમાં જુદા જુદા સંશોધન જૂથો દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રયોગશાળા તપાસના પરિણામોના આધારે માર્ગ, વાહનવ્યવહાર અને હાઈવે મંત્રાલય દ્વારા માર્ગ નિર્માણમાં પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.
પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી રોડ બનાવવાની કામગીરીમાં પ્લાસ્ટિક બેગ, દૂધની કોથળીઓ, કોસ્મેટિક, પેકિંગમાં વપરાતું, ઘરવખરીની વસ્તુઓમાં વપરાતું અને ડિટર્જન્ટમાં વપરાતા લો ડેન્સિટી પોલીથીન તથા ઉચ્ચ ઘનતાવાળા પોલીથેલિન થર્મોપ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે.