નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યાના થોડા કલાકો પછી, ચાર જાહેર ક્ષેત્રની બેંકો, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને યુકો બેંક એ તેમના લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ બેંકોએ તેમના રેપો લિન્ક્ડ ઈન્ટરેસ્ટ રેટમાં ૩૫ બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કર્યો છે. આનાથી નવા અને જૂના બંને લોન લેનારાઓને રાહત મળશે.
ઇન્ડિયન બેંકે તેનો રેપો લિન્ક્ડ ઈન્ટરેસ્ટ રેટ ૯.૦૫% થી ઘટાડીને ૮.૭૦% કર્યો છે. આ નવો દર ૧૧ એપ્રિલથી લાગુ થશે. પંજાબ નેશનલ બેંકે વ્યાજ દર ૯.૧૦% થી ઘટાડીને ૮.૮૫% કર્યો છે, જે ૧૦ એપ્રિલથી અમલમાં આવ્યો છે.
બેંક ઓફ ઈન્ડિયાએ પણ તેનો RBLR ૯.૧૦%થી ઘટાડીને ૮.૮૫% કર્યો છે. આ ફેરફાર આરબીઆઈની જાહેરાતના દિવસથી અમલમાં આવ્યો છે. યુકો બેંકે તેનો રેપો લિંક્ડ રેટ ઘટાડીને ૮.૮૦% કર્યો છે, જે ગુરુવારથી લાગુ થશે.
વ્યાજદરમાં ઘટાડા છતાં બેન્કો થાપણ દર ઘટાડવામાં ધીમી જણાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે બેન્કો હજુ પણ ભંડોળ એકત્ર કરવામાં પડકારોનો સામનો કરી રહી છે.
નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી, નીતિ દરોમાં ફેરફારની અસર બચત થાપણ દરો પર ઘણી ઓછી થઈ છે. ફેબ્રુઆરીમાં આરબીઆઈએ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, જે પછી જાહેર ક્ષેત્રની બેંકોએ થાપણ દરમાં માત્ર ૬ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી થાપણ દરોમાં મોટો કાપ ન આવે ત્યાં સુધી બેન્કોના માજનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે કારણ કે તે ફંડિંગ ખર્ચ સાથે સીધી રીતે જોડાયેલ છે.