કઠલાલના ડાભીની મુવાડી ગામની ઘટના
જમીનના રૂપિયા સાચવવા ચાવી આપી હતી : પ્રેમી સહિત ત્રણ શખ્સોને આપ્યા તે પરત ન મળ્યા
કઠલાલ: કઠલાલના ડાભીની મુવાડીમાં નાની બહેને ઘરમાં જમીન વેચાણના આવેલા નાણા મોટાભાઈ અને પરિવારની જાણ બહાર વ્યવહાર કરી પ્રેમી સહિત ત્રણ શખ્સોને રૂા. 40 લાખ આપ્યા હતા. આ નાણાં પરત ના મળતા નાની બહેન સહિત ચાર વિરૂદ્ધ ભાઈએ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
કઠલાલ તાલુકાના સરખેજ તાબેના ડાભીના મુવાડી ગામે નલીનભાઈ કનુભાઈ ડાભીના નાની બહેન નિત્તલબેનના અગાઉ લગ્ન થયા હતા પરંતુ અણબનાવ બનતા છેલ્લા સાડા ત્રણ વર્ષથી તેણી ભાઈ સાથે રહે છે. પિતા કનુભાઈ ડાભીના નામની ખલાલ ગામની સીમની જમીન રૂા. ૭૨ લાખમાં વેચાઈ હતી. જેમાંથી ખર્ચ કર્યા બાદ રૂા. ૪૦ લાખ જેટલા ઘરમાં પીપમાં મૂક્યા બાદ તેની ચાવી બહેન નિત્તલને આપી હતી. તા. ૨૭મી માર્ચે પીપમાં જોતા રૂપિયા ગાયબ હતા. જે અંગે નિત્તલને પૂછતા તેણે ગામના રમેશભાઈ પ્રવીણભાઈ રાઠોડ સાથે પ્રેમ સબંધ હોવાથી તેને રૂપિયાની જરૂર હોવાથી તેને રૂા. ૩૦ લાખ આપ્યા હતા. ઉપરાંત ગામના ભરતભાઈ ઉર્ફે મંગો બાદરભાઈ રાઠોડ રૂા. ૮.૫૦ લાખ તેમજ ગામનો કુણાલ ગિરીશભાઈ શર્મા દુકાનનો માલ લાવવા રૂા. ૫૦ હજાર તેણીની પાસેથી પરત આપવાની શરતે લઈ ગયા હતા. બાદમાં પરત આપ્યા ન હતા. આથી બહેને ભાઈ અને પરિવારની જાણ બહાર નાણાકીય વ્યવહાર કરતા નલીનભાઈ કનુભાઈ ડાભીએ નાની બહેન નિત્તલબેન અને તેના પ્રેમી સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા કઠલાલ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.