ઘોઘારોડ પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતુ
રાજારામના આવેડા પાસેના મકાનમાં ઘોઘારોડ પોલીસનો દરોડો : રૂા.4,900નો દારૂ બિયરનો જથ્થો મળ્યો : બુટલેગર ફરાર
ભાવનગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના મોટા વાયદાઓ વચ્ચે ભાવનગરની ઘોઘારોડ પોલીસે કોમ્બિંગ દરમિયાન પોલીસ સ્ટેશનથી અદાજે ૨૦૦ મીટર દૂર એક મકાનમાં પાડેલાં દરોડામાં મળી આવેલાં દારૂ-બિયરના જથ્થાની સાથે દારૂ વેચતા મળેલી રૂા.૨.૪૪ લાખની રોકડ પણ મળી આવતાં ખુદ પોલીસ દિગ્મૂઢ બની ગઈ હતી. પોલીસે રોકડ સહિત કુલ રૂા. ૨.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સામે ગુનો નોંધ્યો હતો.
બનાવની વિગત એવી છેે કે, ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગત રોજ નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં વિવિધ વિસ્તારોમાં સર્ચ કરી પ્રોહીબિશનના કેસ કર્યા હતા. દરમિયાનમાં ઘોઘારોડ પોલીસે પોલીસ સ્ટેશનથી અંદાજે ૨૦૦ મીટર દૂર આવેલાં રાજારામના અવેડા પાસે આવેલાં અર્જુન રણજીતભાઇ મકવાણાના મકાનમાં બાતમીના આધારો દરોડો પાડયો હતો.બુટલેગરની ગેરહાજરીમાં પોલીસ ઘરમાં હાથ ધરેલાં કોમ્બિંગ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની ૦૬ બોટલ અને બિયરના ૨૨ ટીન નંગ મળી કુલ રૂા. ૪,૯૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે, પોલીસની તપાસ દરમિયાન ઘરમાંથી રૂા.૨,૪૪,૫૦૦ની રોકડ મળી આવી હતી.પોલીસ આ રોકડ જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. જો કે, પોલીસે દારૂના વેચાણ પેટેની આ રકમ હોવાનો ઉલ્લેખ કરી ફરાર બુટલેગર અર્જુન રણજીતભાઇ મકવાણા વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટ તળે ગુનો નોંધ્યો હતો. અને દારૂ-બિયર સહિત કુલ રૂા.૨,૪૮,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.