Botad Politics: ત્રણ માસ પૂર્વે જ નિયુક્ત થયેલાં ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પાસેથી જિલ્લા પ્રમુખે એકાએક અગમ્ય કારણોસર રાજીનામું માંગી લેતાં બોટાદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા આપતાં તેમનું રાજીનામું માંગી લેવાયું હોવાનો તાલુકા પ્રમુખના દાવા સામે જિલ્લા સંગઠને મૌન સેવ્યું છે. જો કે, રાજીનામું માંગી લેવા પાછળના કારણોને લઈ વિવિધ અટકળો અને તર્ક શરૂ થયા છે.
જન્મદિવસની શુભેચ્છા પાર્ટી વિરૂદ્ધનું કૃત્ય નથી તાલુકા પ્રમુખનો રાજીનામું આપવા ઇન્કાર
બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાજપમાં ચર્ચાનું કેન્દ્ર બનેલાં બનાવની વિગત એવી છે કે,બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે પ્રદેશની સૂચનાથી પ્રકાશ સાંકળિયાનું ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું માંગી લીઘું હતું.
જો કે, જિલ્લા પ્રમુખે રાજીનામું માંગી લેવાનું કારણ સ્પષ્ટ કર્યું ન હતું. બીજી તરફ, આ મામલે તાલુકા પ્રમુખ સાંકળિયાએ જણાવ્યું કે,સંઘ અને ભાજપના નેતા સંજય જોષીને તેમના જન્મદિવસ નિમિતે ચાર દિવસ પૂર્વે ફેસબુક પર હેપ્પી બર્થ ડે કહીને તસવીરો સાથેની શુભેચ્છા પાઠવી હોવાથી તેમનું રાજીનામું માંગી લેવામાં આવ્યું છે. તેમણે પાર્ટી વિરૂદ્ધ કે કંઈ ખોટું કર્યું ન હોવાથી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાનો ઈન્કાર કરી દીધો હતો.
જયારે બોટાદ ભાજપ વર્તૂળોમાં તાલુકા પ્રમુખની રાજીનામાની વાત વાયૂવેગે પ્રસરતાં મોંઢા એટલી વાતો શરૂ થઈ હતી. ભાજપ પાર્ટી વ્યકિગત સંબંધ અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જેવી વાતથી નવનિયુક્ત હોદ્દેદારનું રાજીનામું માંગી લે તે વાત કાર્યકરોના ગળે ઉતરતી ન હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ મામલો બોટાદ ભાજપમાં ચર્ચાસ્પદ બન્યો છે.