(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર
૩૧મી માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં ૨૦૨૪-૨૫ના વર્ષ માટેના કુલ મળીને ૯.૧૯ કરોડ રિટર્ન ફાઈલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાંથી ૮.૬૪ કરોડ રિટર્નનું ઇ-વેરિફિકેશન થઈ ગયું છે. ચકાસણી કરી લેવામાં આવેલા રિટર્નમાં રૃ. ૪,૩૫,૦૦૮ કરોડનું રિફંડ પણ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતમાંથી કુલ મળીને ૮૮.૫૮ લાખ રિટર્ન ફાઈલ થયા છે, એમ આવકવેરા ખાતાના પોર્ટલ પર દર્શાવવામાં આવેલી વિગતમાં જણાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં ૧.૩૯ કરોડ, દિલ્હીમાં ૪૪,૬૬ લાખ, કર્ણાટકમાં ૫૩.૬૨ લાખ, રાજસ્થાનમાં ૫૯.૭૭ લાખ, ઉત્તર પ્રદેશમાં ૯૧,૩૮ લાખ, પંજાબમાં ૪૪.૨૬ લાખ, તામિલનાડુમાં ૫૭.૨૭ લાખ રિટર્ન ફાઈલ થયા છે. ગુજરાતમાં ૮૮.૫૮ લાખ રિટર્ન ફાઈલ થયા છે.
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ભરવામાં આવેલા રિટર્નની સંખ્યાની તુલના કરવામાં આવે તો તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૨૩ના વર્ષમાં ૭,૭૮ કરોડ, ૨૦૨૪ના વર્ષમાં ૮,૫૨ કરોડ અને ૨૦૨૫ના વર્ષમાં ૯.૧૯ કરોડ રિટર્ન ફાઈલ થયા છે. આમ રિટર્ન ફાઈલ કરવામાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૨૩ની તુલનામાં રિટર્ન ફાઈલ કરવામાં ૭ ટકાનો વધારો ૨૦૨૪માં જોવા મળ્યો હતો. જ્યારે ૨૦૨૫માં ૨૦૨૪ની તુલનાએ રિટર્ન ફાઈલ કરવામાં ૮ ટકાનો વધારો જોવા મળ્યો છે.
રૃ. ૫ લાખથી ઓછી આવક ધરાવનારાઓએ સૌથી વધુ રિટર્ન ફાઈલ કર્યા છે. તેમણે મળીને કુલ ૪.૧૯ કરોડ રિટર્ન ફાઈલ કર્યા છે. તેમ જ ૫ લાખથી ૧૦ લાખની આવક ધરાવનારાઓએ ફાઈલ કરેલા રિટર્નની સંક્યા ૩.૪ કરોડની છે. તેમ જ ૧૦થી ૫૦ લાખની આવક દર્શાવનારા કરદાતાઓની સંખ્યા ૧.૩૪ કરોડની છે.
વેરાના નિષ્ણાતોનું માનવું છે કે રિટર્ન ફાઈલ કરવામાં વધારો થવા માટેના કારણોમાં લોકોની વધી રહેલી આવક પણ જવાબદાર છે. તેમ જ બીજા કેટલાક નિષ્ણાતો માને છે કે હવે સારી ટેક્નોલોજીને કારણે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવું પહેલાની સરખામણીએ વધુ સરળ બની ગયું હોવાથી પહેલાની સરખામણીમાં વધુ રિટર્ન ફાઈલ થઈ રહ્યા છે. ત્રીજું, લોન લેવા માટે ત્રણ વર્ષના રિટર્ન બેન્કો કે નાણાં સંસ્થાઓ માગતી હોવાથી પણ ઘરનું ઘર વસાવવા માગનારાઓ રિટર્ન ફાઈલ કરતાં થઈ ગયા છે. ચોથું શેરબજારમાં રોકાણ કરનારા છૂટક રોકાણકારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી પણ રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા વધી રહી છે.
એક કરોડથી વધુની વાર્ષિક આવક ધરાવનારા કરદાતાઓની સંખ્યા ૩.૨૪ લાખની છે. તેમાંથી ૨.૯૭ લાખ કરદાતાઓએ તેમની આવક રૃ. ૧થી ૫ કરોડની વચ્ચેની હોવાનું દર્શાવ્યું છે. રૃ. ૫ કરોડથી ૧૦ કરોડ વચ્ચેની આવક ધરાવતા કરદાતાઓની સંખ્યા ૧૬,૭૯૭ની છે. તેમ જ વાર્ષિક રૃ. ૧૦ કરોડથી વધુની આવક ધરાવનારા કરદાતાઓની સંખ્યા ૧૦,૧૮૪ની છે.