નવોનક્કોર સ્વિમીંગ પુલની પાણીના અભાવે અવદશા; પ્રેકટીસ પુલ પણ બંધ : ઓલિમ્પિક કક્ષાના સ્વિમીંગ પુલના મેઇન્ટેનન્સ પાછળ વર્ષે રૂા. ૩૫ લાખનો ખર્ચ યુનિ.ને પોસાતો નથી : પાણીના સ્થાનિક સ્ત્રોત અપુરતા
રાજકોટ, : ઉનળાના આકરા તાપમાં રાજકોટ મ્યુ. કોર્પોરેશન સંચાલિત સ્નાનાગારમાં જુદી-જુદી બેચ હાઉસફૂલ જોવા મળે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં રૂા. 9 કરોડનાં ખર્ચે નવનિર્મિત ઓલિમ્પિક કક્ષાનો સ્વિમીંગ પુલ અણઆવડતને કારણે બંધ પડયો છે. ઉનાળામાં ચાલુ થાય તેવી કોઇ શક્યતા નથી. એક બાજુ યુનિ.માં સ્વિમીંગ પુલને ભરી શકાય તેટલાં પાણીનો પ્રશ્ન છે. બીજી બાજુ સ્વિમિંગ પુલના મર્ન્ટેનન્સ માટેનો વાર્ષિક રૂા. 35 લાખનો ખર્ચ પરવડે તેમ નહીં હોવાથી આધુનિક સ્વિમીંગ પુલ હવે ખાનગી એજન્સીને ભાડે આપવાની કવાયતો શરૂ થઇ હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્ર યુનિ.નાં સરદાર પટેલ સ્પોર્ટસ કોપ્લેક્સમાં જે ઇન્ડોર સ્ટેડિયમ ઉપરાંત હોકી, ફૂટબોલ, વોલીબોલના મેદાનો ઉપરાંત સ્વિમીંગ પુલના નિર્માણમાં ગુજરાત સરકાર તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની આર્થિક મદદ ખૂબ જ ઉપયોગી રહી છે. સૌરાષ્ટ્રન 250 કોલેજના યુવા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ તરવૈયા તરીકે તૈયાર કરવા માટે અહીં ઓલિમ્પિક કક્ષાનો સ્વિમીંગ પુલ પાંચ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વિમીંગ પુલ પાછળ વધુ પડતાં ખર્ચનો વિવાદ સર્જાયા બાદ સ્વિમીંગ પુલ ચાલુ થયો ત્યારપછી એકાદ-બે સ્પર્ધાઓ યોજવામાં આવી છે. બાકી પ્રેકટીકસ પુલ સાથેનો સ્વિમીંગ પુલ લગભગ બંધ અવસ્થામાં જ પડયો છ. ચોમાસામાં વરસાદનું પાણી ભરાતું હોવાને લીધે અહીં લીલ જામી જાય છે.
ઓટોમેટીક પાણી શુધ્ધ થઇ શકે તેવો ફિલ્ટર પ્લાન્ટ છે પરંતુ પાણી નથી. પ્રેકટીસ પુલને 7 લાખ લીટર અને સ્વિમીંગ પુલને 289 લાખ લીટર પાણીની જરૂર પડે છે. મ્યુ. કોર્પોરેશન પાસે રો-વોટરની માગણી વર્ષો પહેલાં કરવામાં આવી હતી. જે અભેરાઇએ ચડી ગઇ છે. યુનિ. કેમ્પસમાં આવેલા કૂવાના પાણી ઉનાળામાં ડૂકી જાય છે. તેથી સ્વિમીંગ પુલ ઉનાળામાં ચાલુ થઇ શકે તેવી કોઇ સ્થિતિ નથી.
સ્વિમીંગ પુલનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવાની દરખાસ્ત
સૌરાષ્ટ્ર યુનિ.નાં શારીરિક શિક્ષણ વિભાગનાં કાર્યકારી નિયામક જણાવે છે કે યુનિ.નો સ્વિમીંગ પુલ વર્ષે રૂા. 35 લાખનો ખર્ચ માગે છે. કોચ અને મેઇન્ટેનન્સ પાછળ ખર્ચ વધુ થાય તેમ છે. પાણીનો પ્રશ્ન ગંભીર છે. વર્ષે આવક ઓછી છે. તેથી આ સ્વિમીંગ પુલ ખાનગી એજન્સીને ભાડે આપી દેવાની દરખાસ્ત બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠકમાં કરવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજૂર થઇ જશે તો ખાનગી એજન્સી સ્વિમીંગ પુલ ચાલુ કરશે.