તસ્કરો CCTV કેમેરાનું DVR પણ લેતાં ગયાં : કારખાનામાં દરરોજ સુરતથી હીરા પોલીશ માટે આવતાં હતાં : કુલ 44 કારીગરો કામ કરે છે
રાજકોટ, : કોઠારીયા રિંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં ગઇકાલે રાત્રે ત્રાટકેલા તસ્કરો તિજોરીમાં રાખેલા રૂ. 60.83 લાખના હીરાની ચોરી કરી જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જાણ થતાં બે-બે ડીસીપી સહિતના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તસ્કરો ડીવીઆર જ લઇ ગયા હોવાથી પ્રાથમિક તપાસમાં પોલીસને કોઇ માહિતી મળી નથી. આસપાસના સીસીટીવી કેમેરાના આધારે ક્રાઇમ બ્રાંચ, સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમો તપાસમાં જોતરાઇ ગઇ છે.
કારખાનાના માલિક વિપુલભાઈ વીરજીભાઈ ગોંડલીયા (ઉ.વ. 37) દેવપરા જૂની શાક માર્કેટ પાસે વિવેકાનંદનગર શેરી નં. 2માં રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે ભાડાના શેડમાં ઉપરના માળે છેલ્લા બે મહિનાથી ખોડીયાર ડાયમંડ નામે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. જેમાં તે જોબવર્ક કરે છે. સવારનાં ૭ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધી કામ ચાલે છે. કારખાનામાં ૪૪ કારીગરો પાલીસ માટે રાખ્યા છે. તમામ કારીગરો ગુજરાતી છે. પાર્સલમાં આવતા હીરા કાચા હોય છે. જેને પોલીસ કરી દરરોજ સાંજે ફરીથી સુરત મોકલવાના હોય છે. આ માટે આંગડીયા પેઢીનો માણસ સાંજના ૭.૩૦ વાગ્યાની આસપાસ કારખાને આવી, હીરાનું પાર્સલ લઇ જાય છે.
જે હીરા તૈયાર કરી સુરત મોકલે તેમાં ઘસવામાં નાનો-મોટો ફોલ્ટ રહી જાય તો તે હીરા ફરી રિપેર કરી પરત મોકલવાના હોય છે. કારખાનામાં જે હીરા આવે અને જે મોકલે તેનું કાચુ લખાણ તે એક બૂકમાં રાખે છે.
ગઇકાલે સવારે 7 વાગ્યે કારખાનું ખોલ્યું હતું. કારીગરો સમયસર આવી ગયા હતા. નિત્યક્રમ મુજબ સુરતથી ચંદુભાઈ ડુંગરાણીની સીવી ઇમ્પેક્સ નામની પેઢી છે ત્યાંથી આંગડિયામાં કાચા હીરા આવ્યા હતાં. જે આંગડિયા પેઢીનો માણસ દેવા આવ્યો હતો. તે સાથે જ ૧૫ ઘંટીઓ ઉપર પાલીસનું કામ શરૂ કર્યું હતું. ત્યાર પછી બે મેનેજર અશોક પોપટભાઈ રોકડ, મુકેશ રાવલ અને સુપરવાઇઝર હરેશ ગોંડલિયાએ ઓફિસમાં મશીન ઉપર હીરા ચેક કર્યા હતાં. આ પછી પાર્સલ તૈયાર કર્યું હતું. જે સાંજે 7.30 વાગ્યે આંગડિયા પેઢીનો માણસ આવીને લઇ ગયો હતો. આજે સવારે 7 વાગ્યે કારખાને આવી નીચેનું તાળું ખોલી, ઉપર જતાં ઓફિસના સેકશનનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. દરવાજો ખોલી અંદર જતાં અઢી ફૂટની લોખંડની તિજોરીમાં ચાવી ભરાવવાની જગ્યામાં લોખંડના ડ્રીલથી હોલ પાડેલો જોવા મળ્યો હતો. જેના પરથી ચોરી થયાનું સ્પષ્ટ થઇ ગયું હતું. ગણતરી કરતાં તૈયાર અને કાચા મળી 130.55 કેરેટનાં કુલ 11,655 હીરા ગાયબ હતાં. જેથી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.