‘જોષી સાહેબ અને અન્યોને ઓફિસ ખાલી કરાવો : મોડુ થશે તો મોટી જાનહાનિ’ : ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી તપાસર : કલેક્ટર સહિત તમામ કચેરીઓ ખાલી કરાવી ડોગ-બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું
રાજકોટ, : આજે રાજકોટ અને પાટણના જિલ્લા કલેક્ટરને કચેરીમાં બોમ્બ મુકાયાનો એક ઈ-મેઈલ અંગ્રેજી ભાષામાં મોકલાતા બન્ને સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. રાજકોટ કલેક્ટરને મોકલાયેલા ઈ-મેઈલમાં તમિલનાડુના રાજકારણ,પૂર્વ સીએમની સિક્યુરિટી પર સહિતની વિગતો સાથે જણાવ્યું છે કે આરડીએક્સ બેઝ આઈઈડી (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ) મુકવામાં આવ્યો છે અને જોષી સાહેબ (રાજકોટ કલેક્ટર) અને અન્ય તમામને બપોરે ૩ વાગ્યા પહેલા ઓફિસ ખાાલી કરાવવા ધમકી અપાઈ હતી અને મોડુ થશે તો મોટી જાનહાનિ થવાની અને આઈએસઆઈનું શેડો નેટવર્ક મજબૂત બનવાનું પણ ઈમેઈલમાં જણાવ્યું હતું.
આ અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું કે સેન્ડર તરીકે ડૌ.સૌરભ પારધીનું નામ લખાયું છે અને ઈમેઈલનો સમય રાત્રિના ૩-૩૩ વાગ્યાનો છે જે ધ્યાનમાં આવતા જ આ ઈમેઈલ મળતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઈ-મેઈલથી ધમકી આપનાર શખ્સ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટના નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મારફત સઘન તપાસ હાથ ધરાઈ છે. સવારથી જ પોલીસના બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિત પોલીસ કાફલો કલેક્ટર કચેરીએ ધસી ગયો હતો અને જિલ્લા કલેક્ટરની ચેમ્બર સહિત તમામ કચેરીઓને થોડો સમય ખાલી કરાવીને પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી પરંતુ, કોઈ વાંધાજનક મળ્યું નથી.
પાટણ કલેક્ટર ઓફિસને પણ આવો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો અને 3 વાગ્યાનો સમય અપાયો હતો. આશરે 200 કર્મચારીઓ બહાર નીકળ્યા હતા અને ઓફિસનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. રાજકોટ-પાટણ બન્ને કલેક્ટર ઓફિસમાં આ ઈમેઈલથી ચિંતા અને દોડધામનો માહૌલ સર્જાયો હતો. આ ઈમેઈલ સરકારના ડોમેઈનથી નહીં પણ એક્સટર્નલ ડોમેઈનથી આવ્યો છે જેમાં રાજકોટ કલેક્ટર કચેરીમાં સિક્યુરિટી બ્રીચ થયાનું અને બોમ્બ મુકાયાનું કહીને બપોરે ૩ સુધીમાં ખાલી કરાવવા ધમકી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટ સહિત એરપોર્ટને પણ ઈ-મેઈલથી ધમકી અપાઈ હતી પરંતુ, તેમાં મોકલનારના નામ જ નહીં પરંતુ, લખાણ પણ સંપૂર્ણપણે જુદા પ્રકારનું છે.