ક્લેઇમનું ઓડિટીંગ કરતી પાર્ટીની તપાસમાં ભાંડો ફૂટયો : સમર્પણ હોસ્પિટલના જવાબદાર સ્ટાફને પણ આરોપી બનાવાયા : ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
રાજકોટ, : રાજકોટમાં એક યુવાને દેણુ થઇ જતાં રૂ. 40 લાખનો વીમો પકાવવાનો કારસો રચ્યો હતો. આ માટે ખોટા રિપોર્ટ રજૂ કર્યા હતાં. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે આ યુવાન અને એક ડોક્ટર સહિતનાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતા ડો. રશ્મિકાંત જયંતિલાલ પટેલની કંપની ઇન્સ્યોરન્સ કંપની માટે થર્ડ પાર્ટી ચકાસણી કમ ઓડિટીંગનું કામ કરે છે. ગઇ તા. 6નાં રોજ તેની કંપનીને મુંબઇથી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી એક દાવાના વેરિફિકેશન માટે જાણ કરી, જરૂરી કાગળો ઇ-મેઇલ કરવામાં આવ્યા હતાં. જેમાં દાવેદાર દર્દીનું નામ મયુર છુછાંર (ઉ.વ. 30, રહે. એમ્પાયર-કેવલમ કિંગ્ડમ, માધાપર ચોકડી) હતું. કેસ પેપર મુજબ દર્દીના શરીરમાં જમણી બાજુ પેરાલીસીસની અસર હતી. જો કે તેની સામે શ્રી સમર્પણ હોસ્પિટલના કેસ પેપરમાં ચોક્કસ નિદાન લખેલું ન હતું. સહયોગ ઇમેજીંગ સેન્ટરમાં કરાવેલા એમઆરઆઈમાં ઓપીડી થયાનાં કોઇ કાગળો પણ સામેલ ન હતાં. એમઆઇઆર બાદ દર્દી મયુરે શ્રી સમર્પણ હોસ્પિટલમાં સારવાર લીધાનું દર્શાવાયું હતું. લેબોરેટરીના રિપોર્ટ અને હોસ્પિટલમાં દાખલ થયાના સમયમાં વિસંગતતા જોવા મળી હતી. સારવાર કરનાર ડોક્ટર મનોજ સીડા (એમ.ડી.ફિઝિશ્યન)ના કન્સલટેશન પેપરમાં બ્લડ ટેસ્ટની સલાહ અપાઇ હતી. પરંતુ તે જ રિપોર્ટ સદગુરૂ લેબોરેટરીમાં અગાઉથી કરાવાયો હતો. જેથી ડો. રશ્મિકાંતને શંકા ગઇ હતી. વધુ તપાસ કરતાં એમઆઇઆર રિપોર્ટમાં ડાબી બાજુ મગજમાં નસ બંધ થઇ જતાં સ્ટ્રોકની અસર થયાનું જણાવાયું હતું. રિપોર્ટની નીચે રેડિયોલોજીસ્ટની સહી હતી. પરંતુ તેનું નામ નહતું. તે વખતે દર્દી મયુર સાથે ફિઝિયોથેરાપીસ્ટ તરીકે ડો. અંકિત હિતેશભાઈ કાથરાણી (રહે. માધાપર ચોકડી પાસે) હાજર હતા. જેણે કહ્યું કે તે 150 ફૂટ રિંગ રોડ પર સેન્ટર ચલાવે છે અને મયુરને કસરત કરાવવા આવે છે. તેણે એક ફોર્મ પણ રજૂ કર્યું હતું. જેમાં મયુર કોઇના ટેકા વગર હરીફરી શકતો નથી તેવું જણાવાયું હતું. સાક્ષીમાં પોતાની સહી કરી હતી. આ તપાસ કર્યા બાદ ડો. રશ્મિકાંત અને ડો. પરમારને શંકા જતાં મયુરના ઘરની બહાર છૂપાઇ ગયા હતાં. સાંજે મયુર ઘરેથી બાઇક લઇને નીકળતાં તેનો કારમાં પીછો કર્યો હતો. થોડીવાર બાદ મયુર એક ટી સ્ટોલ પર બાઇક ઉભી રાખી ચા બનાવવા લાગ્યો હતો. જેનો વીડિયો ઉતારી તેની પાસે જઇ કહ્યું કે હવે તું પકડાઇ ગયો છો, તે સાથે જ મયુરે ડો. અંકિતને કોલ કરી બોલાવ્યા હતાં. જેણે આવીને સ્વીકાર્યું કે મયુરે પેરેલીસીસની હકીકત ખોટી જણાવી હતી. સાથોસાથ કાંઇક પતાવટ કરવાનું કહ્યું હતું.
થોડીવાર બાદ મયુર સાથે ચર્ચા કર્યા બાદ કહ્યું કે હવે મયુરને પોલીસી ક્લેઇમના પૈસા નથી જોઇતા અને ક્લેઇમ વિડ્રો કરવો છે. જેથી લેખિતમાં આપવાનું કહેતા તેમ કર્યું હતું. તે વખતે ડો. અંકિતે કહ્યું કે સાહેબ હવે પુરૂં કરો, આગળ વધતા નહીં, મયુરને દેણુ થઇ ગયું હતું જેથી અમે આવું કામ કર્યું હતું, હવે પછી આવી ભૂલ નહીં થાય.