જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી મુજબ
પોલીસે દબાણ તંત્રોને સાથે રાખીને ચરેડી અને જીઇબી વિસ્તારમાં કાર્યવાહી કરી ઃ હજી ૧૫ના દબાણ તૂટશે
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા ૧૬૫ જેટલા અસામાજિક
તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી ત્યારે ગાંધીનગર શહેર વિસ્તારમાં ૧૭ જેટલા
અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામની ઓળખ થતા ચરેડીમાં મહિલા બુટલેગર અને જીઇબીમાં
એક અસામાજિક તત્વનું ગેરકાયદે બાંધકામ આજે તોડી પાડવામાં આવ્યું હતું.
લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય પ્રજાને રંજાળવાના બનાવો
વ્યાપક બન્યા હતા ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા પણ
જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોની યાદી બનાવવા માટે
તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને એલસીબી, એસઓજી ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા
અને સામાન્ય પ્રજાને રંજાળતા આવા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત
૧૬૫ જેટલા તત્વોની ઓળખ કરવામાં આવી હતી ત્યારે પોલીસ વિભાગ દ્વારા તંત્રની ટીમોને
સાથે રાખીને આવા તત્વોના ઘરે તપાસ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ
વધારાના બાંધકામ તોડવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધીનગર
શહેરી વિસ્તારમાં ૧૭ જેટલા અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પોલીસની તપાસ
દરમિયાન ધ્યાને આવ્યા હતા. જેના પગલે આજે સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
ચરેડીમાં મહિલા બુટલેગરનું ગેરકાયદે બાંધકામ પોલીસે દબાણ તંત્રની ટીમોને સાથે
રાખીને તોડી પાડયું હતું. ત્યારબાદ જીઇબી પાસે છાપરા વિસ્તારમાં પણ હત્યાના
ગુનામાં પકડાયેલા રીઢા ગુનેગારનું દબાણ પણ તોડવામાં આવ્યું હતું. હજી આગામી
દિવસમાં ગાંધીનગર શહેર આસપાસના વિસ્તારમાં વધુ ૧૫ જેટલા અસામાજિક તત્વોના દબાણ
તોડી પાડવામાં આવશે.