ગાંધીનગર નજીક પેથાપુરમાં એસઓજીનો દરોડો
૨૮૪ જેટલાં ગેસ સિલિન્ડર મળીને ૬.૭૮ લાખ રૃપિયાના મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલા પેથાપુરના સુરેલા વિસ્તારમાં એસઓજીની
ટીમે દરોડો પાડીને ઘરેલુ રાધણ ગેસના બાટલામાંથી કોમશયલમાં રિફિલિંગનું મોટું રેકેટ
પકડી પાડયું છે અને ૨૮૪ ગેસ સિલિન્ડર મળીને કુલ ૬.૭૮ લાખના મુદ્દામાલ સાથે એક
શખ્સને ઝડપીને ગુનો દાખલ કર્યો હતો.
હાલમાં આગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગાંધીનગર
જિલ્લામાં પણ ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરીને આવી ઘટનાઓને નોતરતા તત્વોને પકડવા
માટે જિલ્લા પોલીસ વડા દ્વારા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા આપવામાં આવેલી સૂચનાને
પગલે ગાંધીનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી વાળા દ્વારા સ્ટાફના માણસોને એલર્ટ
રહીને આ દિશામાં કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસ
ઇન્સ્પેક્ટર ડી.ડી ચૌહાણને બાતમી મળી હતી કે,
પેથાપુરમાં આવેલા સુરેલા વિસ્તારમાં એક રહેણાંક મકાનની પાછળ બનાવવામાં આવેલા
પતરાના શેડમાં એક વ્યક્તિ લોકોની જિંદગી જોખમાય તે રીતે ઘરેલુ રાધણ ગેસના
બાટલામાંથી કોમશયલમાં રિફિલિંગ કરવાનું કામ કરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ
ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાં હાજર ભારથુજી ચતુર્જી ગોર રહે
સરઢવને ઝડપી લેવામાં આવ્યો હતો. જે ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમશયલ બાટલામાં
રિફિલિંગ કરી રહ્યો હતો. પોલીસે આ સ્થળેથી અલગ અલગ કંપનીના ૨૮૪ નંગ બોટલ, ઇલેક્ટ્રીક મોટર
તેમજ વજન કાટા સહિતનો ૬.૭૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો અને તેની
સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.