– પહલગામ હુમલાનો બદલો લેવાની ભારતની તૈયારીઓ શરૂ
– સરહદે રફાલ, સુખોઇ, મિરાજ સહિતના યુદ્ધ વિમાનો આકાશમાં ગરજીને પાક.ને પરસેવો છોડાવશે, યુદ્ધાભ્યાસ પૂર્વે નોટિસ ટૂ એરમેન જારી
– ભારતમાં મોક ડ્રિલ અને સરહદે તૈયારીને પગલે પાક. વડાપ્રધાન શરીફ આઇએસઆઇ હેડક્વાર્ટરે દોડી ગયા, સેના-એરફોર્સ-નેવી વડાને મળ્યા
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધવા લાગી છે. બન્ને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ શરૂ થાય તેવી પણ અટકળો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ૭મી મેના રોજ એટલે કે બુધવારે સમગ્ર દેશમાં મોક ડ્રિલ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ સરહદે પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ભારત પાકિસ્તાની સરહદે હવાઇ યુદ્ધાભ્યાસ કરશે. ફ્રાંસથી વિશેષ લવાયેલા રફાલ સહિતના યુદ્ધ વિમાનો સરહદે પાકિસ્તાનનો પરસેવો છોડાવશે. આ યુદ્ધાભ્યાસ સાત અને આઠ મે દરમિયાન કરવામાં આવશે. જેને લઇને પાકિસ્તાન સરહદે નોટિસ ટૂ એરમેન (નોટમ) જારી કરવામાં આવી છે.યુદ્ધાભ્યાસ માટે જારી થયેલા નોટમ અંગેની જાણકારી ઇન્ટેલિજન્સ નિષ્ણાત ડેમિયન સાઇમને આપી હતી. જોકે આ યુદ્ધાભ્યાસને હાલ ગુપ્ત રાખવામાં આવ્યું છે તેથી તેની વધુ વિગતો જાહેર કરવામાં નથી આવી. પરંતુ નોટમ જારી થતા તેમાં સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે યુદ્ધાભ્યાસને ધ્યાનમાં રાખીને પાક. સાથેની સરહદના વિસ્તારોની હવાઇ સરહદને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ દરમિયાન ત્યાં ભારતીય એરફોર્સના યુદ્ધ વિમાનો જેવા કે રફાલ, સુખોઇ, મિરાજ વગેરે આકાશમાં ગર્જના કરશે. ખાસ કરીને રણ પ્રદેશવાળી સરહદ પાસે આ યુદ્ધાભ્યાસ થઇ શકે છે.
બીજી તરફ યુદ્ધ થાય તો તેવી સ્થિતિમાં પ્રજા, સંવેદનશીલ ઇમારતો વગેરેની સુરક્ષા કેવી રીતે કરવી તે માટે સમગ્ર દેશમાં મોક ડ્રિલ યોજવામાં આવશે. આ મોક ડ્રિલ બુધવારે યોજાશે. આ મોક ડ્રિલને સિવિલ ડિફેન્સ અભ્યાસ તરીકે પણ જોવામાં આવી રહી છે. જેમાં નાગરિકોની સુરક્ષાને વિશેષ ધ્યાનમાં લેવામાં આવશે. ૧૯૭૧માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે આ પ્રકારની મોક ડ્રિલ સમગ્ર દેશમાં યોજવામાં આવી હતી. આ મોક ડ્રિલ ૩૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૨૫૯ સ્થળોએ આયોજિત કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય આમ નાગરિકોને યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર કરવાનો છે. સાયરનો તૈયાર રાખવી, શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વરક્ષાની તાલિમ આપવી સહિતના વિવિધ અભ્યાસોનો સમાવેશ આ મોક ડ્રિલમાં કરવામાં આવ્યો છે. હવાઇ હુમલા, બોમ્બ વિસ્ફોટ, ગેસ હુમલો, સાઇબર હુમલો અને અન્ય ઇમર્જન્સીની સ્થિતિમાં સુરક્ષા કેવી રીતે કરવી તેના પર ભાર મુકાશે. આ અહેવાલો વચ્ચે પૂંચમાં પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો.
ભારતભરમાં આ મોક ડ્રિલ યોજવામાં આવી રહી છે તેની જાણકારી પાકિસ્તાનને મળી ગઇ છે, જેને પગલે પાકિસ્તાનમાં ચિંતા વધી ગઇ છે. સરહદે ભારતીય સેનાનો યુદ્ધાભ્યાસ અને બીજી તરફ દેશભરમાં મોક ડ્રિલ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અચાનક જ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા અને આતંકીઓને મદદ કરનારી આઇએસઆઇના હેડક્વાર્ટરે પહોંચ્યા હતા. શરીફની આઇએસઆઇ હેડક્વાર્ટરની આ મુલાકાત દરમિયાન પાક. સેના, એરફોર્સ અને નેવીના વડાઓ પણ હાજર રહ્યા હતા. જો ભારત હુમલો કરે તો તેવી સ્થિતિમાં પાકિસ્તાન પોતાના રક્ષણ માટે શું પગલા લઇ શકે તે મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઇ હોવાના અહેવાલો છે. પાક. પીએમઓ દ્વારા આ બેઠક અંગે માહિતી અપાઇ હતી, જેમાં જણાવાયું હતું કે આ બેઠકમાં વડાપ્રધાન, ઉપવડાપ્રધાન, સંરક્ષણ મંત્રી, ત્રણેય સેનાના પ્રમુખો હાજર રહ્યા હતા.
ભારતે પાકિસ્તાન તરફ જતી નદીઓનું પાણી રોકવાનું શરૂ કરી દીધુ છે, હાલ ચિનાબ નદીનું પાણી અટકાવી દેવામાં આવ્યું છે. સિંધુ જળસંધિ અટકાવાઇ તે બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. મોદીએ કહ્યું હતું કે ભારત માટેનું પાણી હવે દેશમાં જ રહેશે, પહેલા ભારતના હકનું પાણી પણ બહાર જઇ રહ્યું હતું, હવે ભારતનું પાણી ભારતના હકમાં વહેશે, ભારતના હકમાં આ પાણી રોકાશે અને ભારતને જ કામ આવશે.