સાંજે સાડા ચાર બાદ અચાનક જ વાતાવરણ પલટાયું, શહેરમાં અંદાજે એક કલાક સુધી વીજળી ડૂલ
માત્ર શહેરમાં ૧૦ મિ.મી.વરસાદ જિલ્લાભરમાં આકરા તાપ સાથે ટીપુંય પાણી ન પડયું : ઘોઘામાં વીજ કડાકા, મહુવામાં ધૂળની ડમરી ઉડી, અલંગના દરિયામાં કરંટ વધતા ઉંચા મોજા ઉછળ્યાં
ભાવનગર: ભાવનગર શહેરમાં આજે ભરઉનાળે મેઘરાજાનું અણધાર્યું આગમન થયું હતું. સાંજ સુધી ગરમી અને બફારાથી શહેરીજનો ત્રસ્ત રહ્યા બાદ અચાનક જ બદલાયેલા મોસમના મિજાજને લઈ તોફાની પવન અને વીજળીના કડાકા-ભડાકાં સાથે જોરદાર માવઠું વરસવાની સાથે ઘણાં વિસ્તારોમાં કરા પણ પડયા હતા. જો કે, શહેર સિવાય જિલ્લામાં કયાંય કમોસમી વરસાદ વરસ્યો ન હતો.
ભાવનગરમાં ત્રણ દિવસ ગરમીનું જોર ઓછું રહેશે તેવી હવામાન વિભાગની આગાહી હતી. માવઠાંના કોઈ એંધાણ પણ ન હતા. પરંતુ કુદરતને કોઈ કળી ન શકે તે વાત આજે ફરી પુરવાર થઈ હતી. ગત ગુરૂવારની તુલનામાં આજે પુરા થયેલાં ૨૪ કલાકના અંતે ભઆવનગરમાં ગરમીનો પારો ૦.૨ ડિગ્રી નીચે સરકીને ૩૯ ડિગ્રી રહ્યો હતો. તો, ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા રહેતા લોકોએ બપોર સુધી ગરમી અને બફારાનો અહેસાસ કર્યો હતો. ત્યારબાદ સાંજે પાંચેક વાગ્યા આસપાસ વાતાવરણ પલટાયું હતું. પ્રથમ આકાશમાં વાદળોએ ઘેરાવ કર્યા બાદ છાંટા પડવાનું શરૂ થયું હતું. ૧૦થી૧૫ મિનિટ બાદ ચૈત્રમાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ શહેરમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જયારે, શહેરના ક.પરા,સિદસરો રોડ,ચિત્રા સહિતના વિસ્તારોમાં કરા પણ પડયા હોવના અહેવાલ છે. જ્યારે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વાવાઝોડા જેવો તોફાની પવન ફૂંકાતા નાગરિકો ડરી ગયા હતા. ઘણાં વિસ્તારોમાં અંદાજે એકાદ કલાક વીજળી ડૂલ થઈ ગઈ હતી. તો માવઠાંના પગલે રસ્તા પર વરસાદી પાણીની નદી વહેતી જોવા મળી હતી.અને નિચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.જો કે, ભરઉનાળામાં ચોમાસા જેવો માહોલ થતાં બાળકો-યુવાનોએ વરસાદમાં નહાવાની મજા માણી હતી. કમોસમી વરસાદ થંભ્યા બાદ તુરંત જ ઉઘાડ નીકળી જતાં શહેરીજનોએ બફારાનો સામનો કરવો પડયો હતો. અર્ધોથી પોણો કલાક સુધી સતત વરસેલા માવઠાંના પગલે ભાવનગર શહેરમાં ૧૦ મિ.મી. વરસાદ વરસ્યાનું જિલ્લા ફ્લડ વિભાગના સત્તાવાર ચોપડે નોંધાયું છે.
જો કે, શહેરને બાદ કરતાં જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ચૈત્રનો તાપ વરસ્યો હતો. અને જિલ્લાના કોઈ તાલુકામાં માવઠું પડયું ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જયારે, મહુવામાં પવનની ઝડપ સામાન્યથી વધુ રહેતા ધૂળની ડમરીઓ ઉડી હતી. અલંગના દરિયામાં બદલાયેલા વાતાવરણની અસર વર્તાઈ હોય તેમ દરિયામાં કરંટ વધતા ઉંચા મોજા ઉછળ્યા હતા. ઘોઘામાં મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જો કે, ભાવનગર શહેરને બાદ કરતા જિલ્લામાં એક પણ સ્થળે માવઠું ન વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
ઘોઘાસર્કલ પાસે ટી.સી. સળગ્યું, માવઠાંના પાણીથી બૂઝાઈ
શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક પાસે પીજીવીસીએલના વીજ ટ્રાન્સફોર્મર (ટી.સી.) આજે સાંજના સમયે અચાનક આગ લાગી હતી. ટી.સી.માં આગ લાગ્યાનો સંદેશ ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો. પરંતુ આગ બૂઝાવવાની કોઈ કાર્યવાહી થાય તે પહેલા જ માવઠાંના પાણીથી આગ ઓલવાઈ ગઈ હોવાનું ફાયર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.