Gyan Sadhana Scholarship 2024-25 | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે (શનિવારે) સવારે 11થી 1:30 દરમિયાન જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના 6 લાખ વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા આપી હતી. ગુજરાતના વિવિધ શહેરોમાં 2553 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી-ગ્રાન્ટેડ શાળામાં કે RTE હેઠળ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આ પરીક્ષામાં પાસ થયેલા 25 હજાર વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12 ની સ્કોલરશીપ માટે પસંદગી પામશે.
જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું પૂછવામાં આવ્યું હતું અને તેને લખવા માટે 150 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો. પરીક્ષા બહુ વિકલ્પ સ્વરુપની અને વિવિધ હેતુલક્ષી સ્વરુપની રહેશે. આદિજાતિ વિકાસ વિભાગની 74 આદર્શ નિવાસી શાળામાં આ જ મેરીટના આધારે પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે ગત 29 માર્ચના રોજ આ પરીક્ષા યોજાવવાની હતી, પરંતુ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર થતાં આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકારે ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરી છે. જેમાં દર વર્ષે 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. આ સ્કોલરશીપ અંતર્ગત ધો. 9થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક 20 હજાર રૂપિયા મળશે. તે ઉપરાંત ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25 હજારની સ્કોલરશીપ અપાશે. જ્યારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને પણ આ સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે.
સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાશે
આ સ્કોલરશીપ સીધી જ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવશે. સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીને આધારે ચૂકવવામાં આવશે. ધોરણ 9થી 12ના અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય, અથવા તો શાળાનું શિક્ષણ છોડી દે, તેમજ વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાંઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.