Gold Price: છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વભરમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. રોકાણકારોની નજર હવે 1 લાખ આંકડો પાર કરે તેના પર ટકેલી છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વ્યાપારિક તણાવ અને અમેરિકન ડોલર નબળો પડતાં ફરી એકવાર સોનાને “સલામત સ્વર્ગ” બનાવ્યું છે.
આ પણ વાંચો : RBIની મોટી જાહેરાત, લિક્વિડિટી વધારવા માટે ખરીદશે 40 હજાર કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ
સ્થાનિક બજારમાં નવો રેકોર્ડ
MCX પર શુક્રવારે સોનાનો ભાવ 93,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો અને અંતે 93,887 રૂપિયા પર બંધ થયો. આ એક અઠવાડિયામાં 5757 એટલે કે લગભગ 6.53 ટકાનો વધારો છે. અગાઉ આ દર 88,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નવો રેકોર્ડ
વૈશ્વિક બજારમાં હાજર સોનાનો ભાવ $3,245 પ્રતિ ઔંસની નવી ઊંચી સપાટીને પહોંચીને $3,236.21 પર બંધ રહ્યો હતો. એટલે કે સાપ્તાહિક 6.41 ટકાનો વધારો. ડોલર ઇન્ડેક્સ બે વર્ષમાં પહેલી વાર 100થી નીચે ઘટીને 99.89 થયો.
સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?
અમેરિકા-ચીન વેપાર યુદ્ધ
ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન પર ભારે ટેક્સ લાદ્યો છે, જ્યારે અન્ય દેશોને અસ્થાયી રાહત આપવામાં આવી છે. તેની સીધી અસર સીધી અસર વેપાર સંબંધો પર પડી છે. અમેરિકાએ કેટલીક ચીની ચીજવસ્તુઓ પર 145 % સુધીનો ટેક્સ માર્યો છે, તો સામે ચીને પણ 84 ટકાથી 125 ટકા સુધીના ટેક્સ લાદીને બદલો લીધો છે.
ડોલરમાં નબળાઈ
ડોલર ઇન્ડેક્સ 99 ની નીચે સરકી ગયો, જેનાથી સોનાને ટેકો મળ્યો. જ્યારે ડોલર નબળો પડે છે, ત્યારે રોકાણકારો સોના તરફ ભાગે છે.
ફેડ દરમાં ઘટાડો થવાની અપેક્ષા
અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા નબળા આવ્યા છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે, US Federal Reserve આ વર્ષે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આનાથી સોનાની ચમક વધુ વધી ગઈ છે.
આ પણ વાંચો : EPFO ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ: હવે સરળતાથી જનરેટ અને એક્ટિવ કરો UAN નંબર, જાણો પ્રોસેસ
આગળ શું થશે?
નિષ્ણાતોના કહેવા પ્રમાણે કે, હવે સોનાનો ભાવ 95,000 થી 95,500 ના નવા લેવલને સ્પર્શી શકે છે. લાંબા ગાળે, તે પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયાના આંકડાને પણ સ્પર્શી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, સોનાની કિંમત $3,280 થી $3,320 ની રેન્જમાં વધી શકે છે.