– ડાકોરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરને ફટકાર્યો
– બે મહિલાઓ સહિત 13 શખ્સોએ અપશબ્દો બોલી ફેંટ પકડી લાતો- ગડદાપાટુનો માર માર્યો
ડાકોર : ડાકોરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં બે મહિલા સહિત ૧૩ શખ્સોએ મેડિકલ ઓફિસરની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મેડિકલ ઓફિસરે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ડાકોરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે રહેતા અને મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભાવેશકુમાર કનૈયાલાલ જનસારી ગત શનિવારે હોસ્પિટલ ખાતે ફરજ ઉપર ગયા હતા. દરમ્યાન રાત્રિના ૧૦.૪૫ કલાકના આસપાસમાં ભાટપુરામાં રહેતા જ્યોતિકાબેન અંબાલાલ સોઢા પરમાર અને ડાકોર ખાતે રહેતા કિર્તી દિનેશભાઈ ચૌહાણ પણ ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે આવતા તેઓને પુછતાં તા.૧૩-૪-૨૦૨૫ના રોજ રાત્રિના સુમારે રખીયાલ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી મોટરસાયકલ અથડાતા બંને મહિલાઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. બંને મહિલા દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ રીફર કરી ડાકોર પોલીસ મથકે ટેલીફોન વર્ધી લખાવી હતી. દરમ્યાન મહિલા દર્દીઓની સાથે આવેલ રાજકુમાર વિનોદચંદ્ર રાણા (રહે.ડાકોર, તા.ઠાસરા), સતપાલસિંહ મનુભાઈ ચૌહાણ (રહે.વણોતી, તા.ઠાસરા), ભરતસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ (રહે.ડાકોર, તા.ઠાસરા), ભાથીભાઈ બગીવાળાનો છોકરો આકાશભાઈ, સુમિત્રાબેન ભરતસિંહ ચૌહાણ, ગીતાબેન લક્ષ્મણસિંહ ચૌહાણ (રહે.ડાકોર), મહંત મોહનદાસ (રહે.ડાકોર, નરસિંહ ટેકરી), ભાવુભાઈ (રહે.ડાકોર, કાંઠીવાળુ ફળીયું) અને બીજા સાતેક માણસોએ બિભત્સ અપશબ્દો બોલી તમારી હોસ્પિટલમાં મહિલા ર્ડાક્ટર કેમ નથી અને તમો સારવાર કરો છો તેમ કહેતા ભાવેશકુમારે હાલમાં નાઈટમાં મારી નોકરી છે અને મારી સાથે મહિલા નર્સિંગ સ્ટાફ છે તેમ કહેતા મહિલા દર્દીઓ સાથે આવેલા ૧૩ જેટલા માણસો અને બે મહિલાઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મેડિકલ ઓફિસર ભાવેશકુમારની ફેંટ પકડી લાતોથી માર માર્યો હતો. બૂમાબૂમ થતા હોસ્પિટલના સિક્યૂરિટી સહિતના સ્ટાફે ભાવેશભાઈને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારે તમામ ૧૩ શખ્સો હવે પછી મહિલા ડૉક્ટર નહીં રાખો તો જીવતા રહેવા નહીં દઈએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ બનાવ અંગે મેડિકલ ઓફિસર ભાવેશભાઈ જનસારીએ ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ શખ્શો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.