કેશોદનાં પાણખાણ ગામે બે પક્ષ વચ્ચે માથાકુટ બની લોહીયાળ : કેશોદની ડેપ્યુટી કલેક્ટરમાં આરોપીઓએ કરેલી અરજી ગ્રાહ્ય ન રહી હોવા છતાં રસ્તા બાબતે બબાલ કરી મહિલાઓ સહિત 15 શખ્સો હથિયારો સાથે તુટી પડયા
જૂનાગઢ, : કેશોદ તાલુકાના પાણખાણમાં જમીનના રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે માથાકુટ ચાલતી હતી. આ મુદ્દે ડેપ્યુટી કલેક્ટરમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. દાવો ગ્રાહ્ય ન રહ્યો હોવા છતાં તે માનવાને બદલે બબાલ ચાલું રહી હતી. આજે નિવૃત પોલીસ કર્મીના ભાઈ તથા ભત્રીજાઓ જતા હતા ત્યારે રસ્તાના મુદ્દે મહિલાઓ સહિત 15 શખ્સોએ બોલાચાલી કરી કુહાડી, પાઈપ, દાતરડા વડે હુમલો કર્યો હતો. જેમાં નિવૃત પોલીસ કર્મીના ભાઈનું મોત થતા બનાવ હત્યા પરિણ્યમો હતો. જ્યારે તેના બે ભત્રીજા તથા ભાઈઓને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. આ અંગે ફરિયાદ થતા કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાણખાણની સીમનાં ગુંદાવાડી વિસ્તારમાં રહેતા રણજીતસિંહ બાવાભાઈ ગાંગણાના નિવૃત પોલીસ કર્મી કાકા ભાયાભાઈ રાયમલભાઈ ગાંગણાએ સાતેક વર્ષ પહેલા મુળુભાઈ સિસોદીયા પાસેથી પાંચ વિઘા જમીન લીધી હતી. ભાયાભાઈના ભાઈ તથા ભત્રીજાઓ ખેતીકામ કરતા હતા. બાજુમાં નાજાભાઈ ગાંગાભાઈ જોટાની જમીન આવેલી છે. તેના ખેતરમાંથી રસ્તો નીકળતો હોવાથી આ બાબતે બંને પરિવાર વચ્ચે વિવાદ ચાલતો હતો. નાજાભાઈ જોટાએ કેશોદ ડેપ્યુટી કલેક્ટરની કોર્ટમાં લેન્ડ તકરારી કેસ કરી દાવો દાખલ કર્યો હતો. જે દાવાની અરજી અગ્રાહ્ય રહી હતી ત્યારથી આ બંને પરિવાર વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું છે.
આજે સવારે સાડા નવેક વાગ્યે રણજીતભાઈ તથા તેના કાકા પીઠરામભાઈ રાયમલભાઈ ગાંગણા, જેઠસુરભાઈ રાયમલભાઈ ગાંગણા, વિક્રમભાઈ બાવાભાઈ ગાંગણા ટ્રેક્ટર લઈ વાડીએ જતા હતા ત્યારે નાજાભાઈ જોટાના ખેતરમાંથી નીકળતા ભૂપત બાબુ જોટા, સોમાત બાબુ જોટા, દેવદાન રાજા જોટા, નાજા ગાંગા જોટા, રાવત નાજા જોટા, જીતુ નાજા જોટા, જનક દેવદાન જોટા, હમીર દેવદાન જોટા, હઠીસિંહ દેવદાન જોટા, બહાદુર ઉર્ફે ભાવેશ ભૂપત જોટા, જાહીબેન દેવદાન જોટા, મંજુબેન ભૂપત જોટા, જગદિશ ભૂપત જોટા, મીણુબેન નાજા જોટા, દક્ષાબેન જીતુ જોટા પાઈપ, દાતરડા, કુહાડી, લાકડી સાથે ત્યાં ઉભા હતા.
આ શખ્સોએ રણજીતભાઈ તથા તેના કાકાને રોકી ‘અમારા ખેતરમાં તમારો રસ્તો નથી છતાં કેમ નીકળો છો’ તેમ કહી ગાળો આપી મારામારી કરી હતી. જેમાં પીઠરામભાઈ રાયમલભાઈ ગાંગણાને ભૂપત બાબુ જોટા અને નાજા ગાંગા જોટાએ કુહાડીથી અને સોમાત બાબુ જોટાએ પાઈપ વડે માર મારતા પીઠરામભાઈ લોહીલોહાણ હાલતમાં ત્યાં ઢળી પડયા હતા. જ્યારે અન્ય શખ્સોએ રણજીતભાઈ, જેતસુરભાઈ અને વિક્રમભાઈ પર લાકડી, પાઈપ, દાતરડા વડે હુમલો કરી ઈજા કરી હતી. પીઠરામભાઈને ખુબ લોહી નીકળતા બેભાન થઈ ગયા હતા. તેઓને તાત્કાલીક કેશોદ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે રણજીતભાઈ, તેના ભાઈ વિક્રમ અને કાકા જેઠસુરભાઈને ઈજા થતા જૂનાગઢ ખસેડાયા હતા. આ અંગે રણજીતભાઈ ગાંગણાએ ફરિયાદ કરતા કેશોદ પોલીસે મહિલાઓ સહિત 15 શખ્સ સામે હત્યા સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જમીનમાંથી નીકળતા રસ્તા બાબતના મનદુઃખમાં બે પરિવાર વચ્ચેની માથાકુટ આજે લોહીયાળ બની હતી. એક વ્યક્તિની હત્યાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર વ્યાપી ગઈ હતી. પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.