– સોનિયા અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધશે
– ઈડીએ નવેમ્બર 2023માં એજેએલની દિલ્હી, મુંબઈ, લખનઉની સંપત્તિઓ અને રૂ. 90 કરોડના શૅર જપ્ત કર્યા હતા
– મનીલોન્ડરિંગ કેસની તપાસમાં એજેએલની સંપત્તિઓ સંબંધિત રૂ. 988 કરોડની ગુનાઇત આવકનો ઈડીનો આરોપ
નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં મોટું પગલું લેતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંબંધિત જપ્ત કરાયેલી રૂ. ૬૬૧ કરોડની સંપત્તિઓ પર કબજો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દિલ્હી, મુંબઈ અને લખનઉમાં પ્રોપર્ટી રજિસ્ટ્રાર્સને આ અંગે ગઈકાલે નોટિસ પાઠવી હતી. આ શહેરોમાં એસોસિએટેડ જર્નલ્સ લિ. (એજેએલ)ની સંપત્તિઓ છે. આ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને આરોપી બનાવાયા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જણાવ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંબંધિત જપ્ત કરાયેલી સંપત્તિઓ પર કબજો મેળવવાની કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ રુલ્સ, ૨૦૧૩ના નિયમ-૫ હેઠળ કરાઈ રહી છે. આ સિવાય નિયમ-૫(૩) હેઠળ મુંબઈના બાંદરા (પૂર્વ)માં સ્થિત હેરાલ્ડ હાઉસમાં ૭મા, ૮મા અને ૯મા ત્રણ માળ પર હાલમાં જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડનો કબજો છે. તેમને પણ નોટિસ અપાઈ છે. આ કંપનીને નિર્દેશ અપાયો છે કે તે ભવિષ્યમાં ભાડાંની બધી જ રકમ ઈડી સમક્ષ જમા કરાવે.
દિલ્હીમાં આઈટીઓ ખાતે હેરાલ્ડ હાઉસ, મુંબઈમાં બાંદરા પૂર્વમાં પ્લોટ નં-૨, સરવે નં.-૩૪૧ અને લખનઉમાં બિશેશ્વર નાથ માર્ગ પર એજેએલ ઈમારત પર ગઈકાલે નોટિસ લગાવાઈ હતી. આ સંપત્તિ ઈડીએ નવેમ્બર ૨૦૨૩માં જપ્ત કરી હતી. હવે તેના પર કબજો કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
ઈડીની તપાસમાં જણાયું છે કે એજેએલની સંપત્તિઓ સંબંધિત રૂ. ૯૮૮ કરોડની ગુનાઇત આવકની પ્રક્રિયાના કથિત મનીલોન્ડરિંગ કેસનો ખુલાસો થયો હતો. આ સંપત્તિઓમાં દિલ્હી, મુંબઈ અને લખનઉની રૂ. ૬૬૧ કરોડની કિંમત અને એજેએલના રૂ. ૯૦.૨ કરોડના શૅરનો સમાવેશ થાય છે. આ સંપત્તિઓ ઔપચારિક રીતે ૨૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ ટાંચમા લેવાઈ હતી. આ અટેચમેન્ટને ૧૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ એડજ્યુડિકેટિંગ ઓથોરિટી તરફથી પુષ્ટી મળી હતી.
ઈડીનો મની લોન્ડરિંગનો કેસ એજેએલ અને તેની હોલ્ડિંગ કંપની યંગ ઈન્ડિયન વિરુદ્ધ છે. નેશનલ હેરાલ્ડનું પ્રકાશન એજેએલ કરે છે અને તેની માલિકી યંગ ઈન્ડિયન પ્રા. લિ. પાસે છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યંગ ઈન્ડિયનના મુખ્ય શૅરધારકો છે અને બંને પાસે તેના ૩૮-૩૮ ટકા શૅર છે. ઈડીનો આરોપ ચે કે યંગ ઈન્ડિયન અને એજેએલની સંપત્તિઓનો ઉપયોગ રૂ. ૧૮ કરોડના નકલી દાન, રૂ. ૩૮ કરોડના નકલી ભાડાં અને રૂ. ૨૯ કરોડની નકલી જાહેરાતો તરીકે ગુનાઈત આવક મેળવવા માટે કરાયો હતો.
એક સમયે કોંગ્રેસ સાથે જોડાયેલા ભાજપ નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ વર્ષ ૨૦૧૪માં દિલ્હીની કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પર ગુનાઈત કાવતરું રચીને યંગ ઈન્ડિયનના માધ્યમથી વર્ષ ૨૦૧૦માં માત્ર રૂ. ૫૦ લાખમાં એસોસિએટેડ જર્નલ્સ લિ. (એજેએલ)ની રૂ. ૨,૦૦૦ કરોડની સંપત્તિઓ પચાવી પાડવાનો આરોપ મૂક્યો હતો. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વર્ષ ૨૦૨૧માં ઔપચારિક તપાસ શરૂ કરી હતી.