Vadodara Accident : વડોદરા શહેર પર અંધકારના ઓળા ઉતરતા જ રફતારના રાજાઓ બેફામ ગતિએ પોતાના વાહનો હંકારીને હરીફાઈ કરતા કેટલીએ વાર નાના મોટા અકસ્માત સર્જાય છે. કારેલીબાગ જીવન ભારતી ચાર રસ્તા ખાતે ગઈ રાત્રે બેફામ બનીને જતા વાહન ચાલકે સ્વાતંત્ર્ય સેનાનીની તકતી તોડીને ફરાર થઈ ગયાની અરજી અંગે કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે રફતારના રાજાઓ માટે કારેલીબાગ એપી સેન્ટર જેવું બની ગયું હોવાનું કહેવાય છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં રાત્રિના ઓળા ઉતરતા જ વાહન ચાલકો બેફામ ગતિએ વાહન દોડાવીને હરીફાઈ કરતા હોય છે. આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસ પણ અવારનવાર ટ્રાફિક ડ્રાઈવ ગોઠવે છે. સ્પીડ કંટ્રોલર દ્વારા પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. કસુરવારો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે.
રાત્રે વાહનના સાઇલેન્સર કાઢીને વાહન ચાલકો બેફામ ગતિએ પોતાનું વાહન દોડાવે છે અને રાહદારીઓમાં ગભરાટ ફેલાવે છે. આવા વાહનચાલકોના સાઇલેન્સર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે. દરમિયાન ગઈ રાત્રે પોણા બાર વાગ્યાના સુમારે એક વાહન ચાલક કથિત રીતે પીધેલી હાલતમાં દારૂ ઢીંચીને વાહન હંકારતો કારેલીબાગ જીવન ભારતી ચાર રસ્તા વિસ્તારમાંથી પસાર થતો હતો. દરમિયાન આ વિસ્તારમાં લગાવાયેલી સ્વાતંત્ર્ય સેનાની સ્વ.છગનલાલ યાદવની સ્મૃતિમાં લગાવેલી તકતીને પણ તોડી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકે સ્થાનિક રહેશે અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે. પરિણામે કારેલીબાગ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.