– અઠવાડિયાથી ભાવ નીચે જતાં ખર્ચ સામે નુકશાની વધી
– ડીહાઈડ્રેશન ઉદ્યોગકારોને પોષણક્ષમ ભાવો આપવા અને યાર્ડમાંથી કાંદાની ખરીદી કરવા તાકીદ
મહુવા : મહુવા પંથકના ખેડૂતોને સફેદ ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છેે. ખેડૂતોને તેમના ખર્ચના પણ રૂપિયા મળતા ન હોય, આર્થિક રીતે નુકશાની વેઠવી પડી રહી છે. ધરતીપુત્રોને આવા સંજોગોમાંથી ઉગારવા માટે વેપારીઓ અને ડીહાઈડ્રેશન ઉદ્યોગકારો આગળ આવ્યા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા તેમજ યાર્ડમાંથી કાંદાની ખરીદી કરવા તાકીદ કરાઈ છે.
મહુવા પંથકમાં ચાલુ સાલ સફેદ ડુંગળીનું ઉત્પાદન વધુ થયું હોવાથી મહુવા યાર્ડમાં કાંદાની આવક વિપુલ પ્રમાણમાં થઈ રહી છે. જેના કારણે છેલ્લા એકાદ સપ્તાહથી સફેદ ડુંગળીનો ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોને ખર્ચ સામે નુકશાની વેઠવી પડી રહી છે. આ બાબતે મહુવા યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન, વેપારી ડાયરેક્ટરોની હાજરીમાં ડુંગળીના ચિંતાજનક રીતે ઘટતા ભાવો બાબતે મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં લાંબી ચર્ચા-વિચારણા બાદ વેપારી એસોસિએશન-મહુવા દ્વારા ખેડૂતોને તેમની સફેદ ડુંગળી મહુવા યાર્ડમાં જ વેચાણ કરવા, જે કાંદા ટકે તેવા હોય, તેના થેલા ઉભા મુકી અનુકૂળતા મુજબ રાખી બજારમાં પુરવઠો ધીમે ધીમે આવે તો પોષણક્ષમ ભાવ જળવાઈ રહે તે માટે ધીરજપૂર્વક કાંદાનું વેચાણ કરવા જણાવ્યું છે. જ્યારે ઓલ ઈન્ડિયા વેજીટેબલ ડીહાઈડ્રેટેડ મેન્યુફેક્ચરર્સ ડેવલોપમેન્ટ એસો. તરફથી ખેડૂતો સફેદ ડુંગળીના પાકથી વિમુખ ન થાય તે માટે તેમને પોષણક્ષમ ભાવો આપવા, મહુવા માર્કેટ યાર્ડમાંથી તમામ ડીહાઈડ્રેશન ઉદ્યોગકારોએ ખરીદી કરવા અનુરોધ કર્યો હતો.